નવસારીઃ શનિવારઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનો જિલ્લાકક્ષાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ઘેકટી, ચીખલી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીશ્રી પટેલે ઘેકટી ખાતેથી નવસારી જિલ્લાની ૦૬ તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતોનું ઇ-ખાતમુહુર્ત કર્યુ હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ પાંચ હજારથી ઓછી વસ્તીવાળા ૬૬ ગ્રામ પંચાયતો અને પાંચ હજારથી વધુ વસ્તીવાળા ૦૮ મળી કુલ ૭૪ ગ્રામ પંચાયતો રૂા.૧૨ કરોડથી વધુના ખર્ચે નવા પંચાયત ઘર બનાવવામાં આવશે. ગ્રામ પંચાયત ગામનું ઘરેણું છે તેમ જણાવી આ નવનિર્મિત થનાર સુવિધાયુકત ગ્રામસેવા સદન ખૂબ જ લાભકારી થશે તેમજ ગ્રામજનોના ખૂબજ અગત્યના રેકોર્ડની સાચવણી થશે.
મંત્રીશ્રી નરેશ પટેલે કહ્યું કે આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠાની યોજનાકીય માહિતી આપી, તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્યવસ્થાપન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રાજયના તમામ ઘરોમાં નળથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. શ્રી ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ૭૪ ગ્રામ પંચાયતના નવા મકાનનું નિર્માણ થનાર છે જે ખૂબ આનંદની વાત છે. ગ્રામજનોને જન્મ-મરણના દાખલા સહિત જરૂરી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે પ્રાસંગોચિત ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમના અંતે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌહાણે આભારવિધિ કરી હતી. શ્રી ભુરાભાઇ શાહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, પૂર્વ મંત્રી શ્રી કરસનભાઇ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રીમતી દિપાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે.સી.રાઠોડ, અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હયા હતાં.











