ડાંગ: ભ્રષ્ટાચાર તો બસ ડાંગમાં જ હો બાકી.. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ લહાનમાંળુગા ખાતે એલ.જી.ચૌધરી નામની એજન્સીએ ડામર સપાટી રસ્તાનાં નવીનીકરણમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરી નકરી વેઠ જ ઉતારતા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યોનો કિસ્સો બહાર આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને સરહદીય વિસ્તારમાં આવેલ લહાનમાંળુગા ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ વઘઇ હસ્તકનો અંદાજીત 1 કિલોમીટરનો માર્ગ ડામર સપાટીમાં ફેરવવા માટે મંજુર થયો છે. આ લહાનમાંળુગા ગામે ડામર સપાટીનાં નવીનીકરણનો ઇજારો એલ. જી. ચૌધરી નામની એજન્સીને સોંપાયો છે.લહાનમાંળુગા ગામે ડામર સપાટીનાં નવીનીકરણમાં એલ.જી.ચૌધરી નામની એજન્સીએ ભય વગરનો ભ્રષ્ટાચાર જ આચરી નકરી વેઠ જ ઉતારતા ગ્રામજનોમાં મોટી બૂમરેંગો ઉઠવા પામી છે. અહી એજન્સી દ્વારા માર્ગની સાફ સફાઈ કર્યા વગર તથા પ્રથમ લેયર પાથરતી વખતે ડામરનો છંટકાવ કર્યા વગર નકરી વેઠ જ ઉતારી ડામરનો પ્રથમ લેયર પાથરી દઈ સરકારી ગ્રાંટને ચૂનો જ ચોપડતા તપાસનો વિષય બનવા પામ્યો છે. અહી એજન્સીની નકરી વેઠ જોઈને આજરોજ ગ્રામજનોએ પણ કામગીરી સુધારવા બાબતે હલ્લાબોલ પણ કર્યો હતો.

આ માર્ગનાં નવીનીકરણમાં એજન્સીએ હલકી કક્ષાનો ડામર પાથરતા આ ડામર સપાટી પગનાં ધખામાં પણ ઉખડી જતા ગતિશીલ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો શ્રેષ્ઠ નમૂનો પુરવાર કરી રહયુ છે.અહી લહાનમાંળુગા ગામનાં માર્ગમાં અધિકારીઓનાં સુપરવિઝનનાં અભાવે એજન્સીને ભ્રષ્ટાચાર માટેનું મોકળુ મેદાન મળી જતા છેવાડેનાં આદિવાસીઓનાં વિકાસની જગ્યાએ વિનાશ વળી જવા પામ્યો છે.