આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે તો કેટલાક લોકો કોરોના વોરિયર્સ બનીને આ મહામારીને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે આજે વાત કોઈ ડૉક્ટર, નર્સ કે પોલિસની નહિં પણ કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ કાઉન્સેલિંગ કરતા ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્યના વિદ્યાર્થીઓની કરવી છે. કોરોનાના કપરા કાળમાં લોહીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્તથી દૂર ભાગી રહ્યા છે તેવા સમયમાં છેલ્લા ત્રણ મહિનાથી સુરત અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના સામે લડવા માટે હિંમત આપી રહ્યા છે આ કોરોના વોરિયર્સ. કદાચ ગુજરાતમા જ નહિં પણ સમગ્ર દેશમાં આ એક જ એવી અનોખી ઘટના હશે કે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના આ વિદ્યાર્થીઓ કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે કામ કરી રહ્યા છે ત્યારે આ લેખ દ્વારા આવા અનોખા કોરોના વોરિયર્સની વાત તેઓના શબ્દોમા મુકવાનો પ્રયાસ કર્યો છે.
ભૌતિક ગોહિલ, સિવિલ હોસ્પીટલ, અમદાવાદ
હું ૦૨ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે કોરોનાગ્રસ્ત દર્દીઓનું કાઉન્સેલિંગ કરી રહ્યો છું તેઓની સાથે કામ કરતા કરતા મને રોજ નવા અનુભવો થાય છે. હું પ્રતિદિન કોરોના દર્દીઓ સાથે વાત કરીને તેઓની મુશ્કેલીઓ દૂર કરવાનોપ્રયાસ કરુ છું. સાથે જ દર્દીઓને ભોજન કરાવીને, વિડિયો કોલ દ્વારા તેઓના પરીવાર સાથે વાત કરાવીને અને વાંચવામાટે વિવિધ પુસ્તકો આપીને તેઓના મનમાંથી કોરોનાનો ડર બહાર લાવીને તેઓનું માનસિક સ્વાસ્થ્ય ખુબજ સરસ રહેતેના માટે સતત હું પ્રયત્ન કરું છું. અંતે એજ કે આ મહામારીમાં મને જે સેવા કરવાની તક મળી છે તે મને આજીવન યાદ રહશે.
જીનલ ચૌહાણ, સિવિલ હોસ્પીટલ, અમદાવાદ
કોરોના દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા કરતા ૦૩ મહિના પુરા થઇ ગયા ખબર જ ના પડી. જ્યારે મને સૌ પ્રથમ કહેવામાં આવ્યું કે તમારે કોરોના દર્દીઓનું કાઉન્સેલિંગ કરવા માટે જવાનું છે ત્યારે હું ખુબજ ખુશ થઇ ગઇ કારણ કે પહેલાથી જ મારી ઇચ્છા કોરોના મહામારીમાં લોકોની સેવા કરવાની હતી. હું કોરોના દર્દીઓને યોગાસન, મનગમતી ફિલ્મ, પ્રાર્થના અને સાથે જ તેમને એકલું ના લાગે તે માટે અન્ય પ્રવૃતિઓ પણ કરાવું છું. આજે દરેક દર્દીઓ તેમના પરીવારની દરેક વાત મારી સાથે કરે છે ત્યારે મને ચોક્કસ કહેવાનું મન થાય કે આ મહામારીએ મને અસંખ્ય પરીવારનો હિસ્સો બનાવ્યો છે.
સંજય પરમાર, સિવિલ હોસ્પીટલ,સુરત
દર્દીઓ સાથે એક નવો સંબંધ સ્થાપવો મને ખુબજ ગમતો માટે હું કોરોનાગ્રસ્ત દર્દીઓનુ માનસિક મનોબળ વધે તેવા
હકારાત્મક પ્રયોગો પણ કરતો. ઘણીવાર દર્દીઓને મળવાનું મોડુ થતું તો તેઓ મને સવાલો પણકરતા. તેઓ હંમેશા મારી આતુરતાથી રાહ જોતા. કયારેક દરરોજ મુલાકાત થતી તે દર્દી જોવા ન મળે તો ચિંતા પણથતી. તો ક્યારેક દર્દીઓનું અવસાન થતું હોય તો આઘાત પણ લાગતો. અંતે એજ કે આ મહામારીએ અમનેસેવાની એક ઉત્તમ તક આપીછે.
દિપિકા પ્રજાપતિ, સિવિલ હોસ્પીટલ, સુરત
હું છેલ્લા બે મહિનાથી કોરોનાગ્રસ્ત દર્દીઓનું કાઉન્સેલિંગ કરી રહી છુ. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને ૧૪
દિવસ માટે હોસ્પિટલમાં રોકાવાનું કહેવામાં આવે છે ત્યારે તે સાંભળીને તેઓ ચિંતામાં આવી જાય છે. ત્યારે હું તેઓને કોરોનાની સાચી સમજ આપીને દવા કરાવવા માટે રાજી કરું છું. સાથે જ તેઓ શારીરિક અને માનસિક રીતે મજબુત થાય તે માટે હળવી કસરત,પ્રાર્થના નિયમિત કરાવીને તેઓને કોરોના સામે લડવા હિંમત આપું છું. તેઓ ઘણી વાર કહે છે કે, તમે અમારી પાસે ના આવ્યા હોત તો અમારું શું થાત. ત્યારે હું ચોક્કસ કહીશ કે કોરોનાગ્રસ્ત દર્દીઓના આ શબ્દો જ મને કામ કરવાની હિંમત આપે છે.
ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગના અઘ્યક્ષશ્રી ડૉ.આંનદીબેન પટેલ જણાવે છે કે, આજે આ મહામારીમાં સમાજકાર્યના દરેક વિદ્યાર્થીને કામ કરવાની એક ઉત્તમ તક મળી છે ત્યારે અમારા સમાજકાર્યના વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લઇને આજે કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે જઇને કામ કરી રહ્યા છે જે અમારા માટે આનંદ અને ગર્વ વાત છે.“માનવ સેવા એજ પ્રભુ સેવા” આ મંત્રને સાર્થક કરતા આ કોરોના વોરિયર્સ આજે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરીવારના સદસ્યની જેમ કાળજી રાખીને તેઓને કોરોના સામેની લડતમાં સાથ આપી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે આ કપરા સમયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મુખ પર હાસ્ય અને જીવનમાં આશાનું એક કિરણ લાવનાર આ કોરોના વોરિયર્સે આજે સમગ્ર સમાજ માટે સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ગાંધીજીનો જીવનકેળવણી સંદેશ
પરોપકાર કરવો, બીજાની સેવા કરવી ને તેમ કરવામાં જરાએ મોટાઈ ન માની લેવી એ ખરી કેળવણી છે. આ તમે જેમ જેમ ઉંમરે વધશો તેમ તેમ વધારે અનુભવશો. માંદા માણસોની સેવા કરવી એના જેવો ઉત્તમ માર્ગ બીજો શો હોય ? ધર્મનો ઘણો સમાવેશ તેમાં થઇ જાય છે. અક્ષરજ્ઞાન પાછળથી મેળવાય, પણ ચાકરી કરવાનો અવસર પાછળથી આવે તેમ ન કહી શકાય…એટલું પણ મનમાં કોતરી રાખજો કે તમારું મન સ્વચ્છ છે,એટલે ચાકરી કરતાં તમે માંદા નહી પડશો. (ગાં.અ ૦૯ :૪૭૫ ૫૩૩ )
પ્રવિણ પરીખ ગૂજરાત વિદ્યાપીઠ