દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

ભરૂચ: વર્તમાન સમયમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ મામલતદારોએ આંદોલન એક તરફ તેજ બનાવી સાંસદ માફી માંગે એવી રાજ્યભરના મામલતદારો માંગ કરી રહ્યા છે. ત્યારે રેતી માફિયાઓ, મામલતદારો અને સાંસદ મનસુખ વસાવાના ત્રિકોણીયા જંગમાં હવે પ્રજા જાતે મેદાનમાં આવી સાંસદના સમર્થનમાં આવી દિલ્હી સુધી જવાની વાત બહાર આવી છે.

ઉલ્લેખનીય છે કે રેતી ભરેલી ટ્રકની અડફેટે બાઈક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાંની ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને કરજણના મામલતદાર અને સર્કલ ઓફિસર જગ્યા પર ખખડાવી નાખવાના વિડીયો વાયરલ થયા હતા જે વિવાદ હજુ પણ થમ્યો નથી. ત્યારે રાજ્યભરના મામલતદારો સાંસદ માફી માંગ એવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે સાંસદના સમર્થનમાં જાગૃત નાગરિકો ભાજપના કાર્યકરો, આદિવાસી આગેવાનો અન્ય સમજના આગેવાનો રાજપીપળા નગરપાલિકાના હોદેદારો સહિત આગેવાનો આવ્યા અને તેઓ દ્વારા રેલી સ્વરૂપે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મનસુખ વસાવાનું કહેવું છે કે કરજણના આ વિવાદ બાદ મારપર અનેક વાર ધમકી આવી મારી સાથે સેટલ મેન્ટની પણ વાત આ રેતી માફિયાઓ કરી રહ્યા છે. પણ હું કોઈથી ડરતો નથી. મને દબાવવા નર્મદા લિઝો વાળા છોટાઉદેપુર વાળા 1 કરોડ ભેગા કરી બેઠા છે. આ લડાઈ અત્યારની નથી, વર્ષોથી હું કરતો આવ્યો છું. જો સરકારના નિયમ પ્રમાણે રેતીની લિઝો રાખો રોયલ્ટી ભરો મને કોઈ વાંધો નહીં પણ જ્યાં ગેર રીતિ થઈ ત્યાં હું ભાજપનો ચમરબંધી નેતા હશે તોય તેની વિરુદ્ધ આંદોલન કરીશ.