બીલીમોરા: કાળ ક્યારેક માનવીના નસીબમાં એવા પ્રકારની મોત લખી નાખતો હોય છે કે કોઈપણ આશ્ચર્ય પામે છે  બીલીમોરા શહેરમાં પણ કાંઈક આવા જ પ્રકારની ઘટના બની હતી. ગેસનો બોટલ ફાટતાં યુવાનનું કમકમાટી ભર્યું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બીલીમોરા શહેરના ગૌહરબાગ વિસ્તારમાં કલ્પના ફ્લાવર નામની દુકાન આવી છે. જેમાં કામ કરતો કર્મચારી દુકાનમાં જ રસોઈ બનાવતો હતો. રોજ રસોઈ કરીને જમીને દુકાન બંધ કરી કારીગર અન્યત્ર રહેવા માટે જતો હતો. નિત્યક્રમ મુજબ ગઇકાલે રાત્રે પણ તેણે રસોઈ કર્યા બાદ ગેસનું રેગ્યુલેટર અને અન્ય વીજળીનાં ઉપકરણો બંધ કરી ઘરે ગયો હતો. ત્યારે રાત્રે 1થી 1:30 વાગ્યાના સુમારે દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા લોકોએ જોયા હતા. ત્યારે આગ જોવા માટે આંતલીયા જીઆઈડીસી રોડ પર રહેતા ૩૩ વર્ષીય શશીકાંતભાઈ પટેલ પણ ઉભો રહ્યો હતો. ત્યારે કાળ બની ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેનો લોંખડનો કાટમાળ શશીકાંતભાઈના માથામાં વાગતા સ્થળ પર જ કમાટી ભર્યું તેમનું મોત નિપજ્યું હતું.

સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ યુવાન ફાર્મસી કંપનીમાં નોકરી કરતો હતો સચિન ખાતે ફાર્મસી કંપનીમાં નોકરી કરતા શશીકાંત પરસોતમભાઈ પટેલ પોતાના મિત્રને મળવા રાત્રે તેના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આગ જોતા રોડની બીજી બાજુ ઊભા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે.