કપરાડા: આજરોજ કપરાડા ખાતે રવિવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ,એન.એસ.યુ.આઈ ના ઉપક્રમે મળેલી કારોબારી બેઠકમાં બહુ ચર્ચિત પાર, તાપી નર્મદા લિંક યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ બેઠકમાં યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે મનું જાદવ અને ઉપપ્રમુખ તરીકે અશ્વિન દેવરામ ભાવરની નિમણૂક થઈ હતી.
જિલ્લા યુથ કોંગ્રેસ પ્રભારી જલ્પાબેન ભરૂચીએ તાલુકામાં હાલમાં મજબૂત સંગઠન છે જેને વધુ મજબૂત બનાવવા, સાથે સૂચિત ડેમ અંગે કોંગ્રેસ પ્રજા સાથે, પ્રજાના હિતમાં કામ કરશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ મહામંત્રી વસંત પટેલે સંગઠન મજબૂત બનાવવા એકજુથ થવા જણાવ્યું હતું. 4 ગામોને સંઘ પ્રદેશમાં કોઈ સંજોગોમાં સમાવવા નહિ દઇએ અને રિવર લીક પ્રોજેક્ટનો પણ વિરોધ કરીશું.
તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ માધુ સરનાયકે જિલ્લા કોંગ્રેસ હાલમાં વેરવિખેર છે અને તે માટે પ્રમુખ દિનેશ પટેલ જવાબદાર છે તેવો આક્ષેપ કર્યો હતો અને ભાજપના નેતાઓ સાથે સાઠ ગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકારે તાલુકામાં ડેમનું આયોજન કરાયું છે તેમાં કેટલાક ગામો વિસ્થાપિત થશે, હવે જાગો નહી તો કઠિન પરિસ્થિતિ ઉભી થશે.

