બોડેલી: વર્તમાન સમયમાં બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જિલ્લાના ખેડૂતો માટે પીળા પંચરંગીયા રોગ સામે પ્રતીકારકતા ધરાવતી અડદની નવી જાત શ્યામલ તાજેતરમાં બહાર પાડવામાં આવી છે.

અડદની નવી જાત શ્યામલ જે લગભગ 70થી 75 દિવસમાં પાકી જાય છે. મોટો દાણો ધરાવે છે અને પીળા પંચરંગીયા રોગ સામે ખૂબ જ પ્રતિકારકતા ધરાવે છે. જેનું બિયારણ કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે ઉપલબ્ધ છે.

જબુગામ કૃષિ યુનિવર્સિટીના ડૉ.વિનોદ મોરે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ઉનાળુ ઋતુમાં અડદનું વાવેતર કરવા ઈચ્છતા જિલ્લાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે જલ્દીથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતેથી બિયારણ મેળવી લેવું તેમજ બિયારણનો જથ્થો ઓછો હોઈ વહેલા તે પહેલાના ધોરણે બિયારણ કેન્દ્ર ખાતેથી આપવામાં આવશે. અડદ બિયારણનો ભાવ 1 કિલો દીઠ 125 રૂપિયા રાખેલ છે.