નવસારી: સંસ્કારી ગણાતી નગરી નવસારીમાં પહેલા બુલેટ ટ્રેન તથા તે બાદ એક્ષપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનુ કામમાં લગભગ રૂ.100 કરોડથી વધુનુ કૌભાંડ આચરાયાનું ચર્ચાય રહ્યુ છે. બોગસ દસ્તાવેજો તૈયાર કરીને સરકારી ઉચ્ચ હોદ્દા પર બેઠેલા સરકારી બાબુઓએ પોતાના પેટ ભર્યા હોવાના વાતો લોકો કરી રહ્યા છે.

આ મુદ્દામાં જિલ્લાની પોલીસ માત્ર અરજી લઇને કૌભાડીઓને છાવરી રહી હતી. ખેડૂતો કે માલિકોની ફરિયાદો નોધી તપાસ કરવાના બદલે કૌભાડીઓ સાથે બેસી ગઇ હોય તેમ પોલીસની કામગીરી બાદ આ ફરિયાદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પહોંચ્યા બાદ તેમણે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં તેમણે જાતે તપાસ કરીને 12 જેટલા કિસ્સાઓમાં કરોડો રૂપિયાનુ કૌભાંડ થયાનું જણાવ્યું હતું. આ કૌભાંડમાં સુરતના એક વકીલનો પણ હાથ હોય તેમને પણ આરોપી બનાવાયો છે.

સમગ્ર જમીન કૌભાંડ ચીખલી તાલુકામાં અને તેમા પણ માલિક વિદેશ રહેતા હોય તથા ટ્રસ્ટની જમીન હોય તેમા જ આચરાયાનું જાણવા મળે છે. મૃત્યુ પામેલા માલિકોના નામે પણ પાવર તૈયાર કરીને પૈસા હડપ કરી જવાયા હતા. તો બીજી તરફ ટ્રસ્ટની જમીન કે અન્ય જમીનમાં જમીન માલિકોના ખાતે જ સરકારી પૈસા જમા થવા જોઇએ તેના બદલે સા.આફ્રિકાના નકલી પાવર, ડોક્યુમેન્ટ, લખાણો, બેંક ખાતા તૈયાર કરીને તેમા અધિકારીઓએ પૈસા જમા કેમ કર્યા તે મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

હાલમાં તો સરકારે જમીન સંપાદનના વિવાદાસ્પદ બનેલા અધિકારી તુષાર જાનીની બદલી કરી દીધી છે. પરંતુ હવે એસીબી તેમની મિલ્કતો જો તપાસે કે પાછલા છ મહિનામાં થયેલા સોદાઓની તપાસ કરશે તો કેટલાક ભષ્ટ્ર અધિકારીઓએ ઘરે બેસવુ પડશે.