ડાંગ: વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોના અને એમેક્રોનની દહેશતનાં પગલે ગિરિમથક સાપુતારા ખાતે મંદીનો માહોલ દેખાય રહ્યો છે સાપુતારામાં હાલમાં કોરોના,એમેક્રોન અને થીજવતી ઠંડીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાજયનું એકમાત્ર ગિરિમથક સાપુતારા દરેક ઋતુઓમાં પ્રવાસીઓથી ભરેલુ હોય છે. ગિરિમથક સાપુતારા ખાતે શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસાની ઋતુ હોય અહી પ્રવાસીઓનો કલરવ ધબકતો જ જોવા મળી રહે છે. જેમાં છેલ્લા બે વર્ષથી કોરોનાનાં પગલે ગિરિમથક સાપુતારાનો હોટલ ઉધોગ સહિત નાના મોટા ધંધાર્થીઓનો વ્યાપાર પડી ભાંગ્યો છે.કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગિરિમથક સાપુતારા જડબેસલાક બંધ જોવા મળ્યુ હતુ. જેમાંય હાલમાં થોડા સમય પહેલા કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા જેમ તેમ ગિરિમથક સાપુતારાનાં હોટલીયરો સહિત નાના મોટા ધંધાર્થીઓની ગાડી પાટા ઉપર આવી હતી.હાલમાં રાજ્યભરમાં કોરોના અને એમેક્રોનનાં નવા વેરિયન્ટનાં પગલે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લામાં 04 જેટલા કેસો નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કોરોના અને એમેક્રોનનાં દહેશતનાં પગલે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કોરોનાની દહેશતનાં પગલે ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળો હાલમાં પ્રવાસી વિના ખાલીખમ દેખાતા અહી મંદીનો માહોલ જોવા મળી રહયો છે. કોરોના અને એમેક્રોનનાં દહેશતનાં પગલે સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા હોટલીયરો,બોટીંગ,એડવેન્ચર,પેરાગ્લાયડીંગ,રોપવે,ટોલબુથ સહિત નાના મોટા ધંધાર્થીઓ પર માઠી અસર પોહચી છે. વધુમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓ સહિત ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં થીજવતી ઠંડીનું મોજુ ફરી વળતા સ્થાનિક લોકોએ તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.

BY સુશીલ પવાર