ધરમપુર: ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં તમિલનાડુમાં જન્મેલા ભારતના વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને આપણે ત્યાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શાળાના ગણિતના શિક્ષક દિપાલીબેન ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓ પાસે સ્વનિર્મિત ગણિતના ૧૪ મોડલો બનાવડાવી શાળામાં પ્રદર્શન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર મોડેલ સ્કૂલ માલનપાડામાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવાયેલા ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસના પ્રસંગે શાળાના શૂન્યની શોધ કરનાર આર્યભટ્ટ, પાયથાગોરસ જેવા જુદા જુદા ગણિતશાસ્ત્રીઓ વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા. ધોરણ -૬ થી ૧૨ના વિદ્યાર્થીઓએ પ્રદર્શન રસપૂર્વક નિહાળી પ્રશ્નો પૂછ્યા હતા.
આ પ્રસંગે શ્રી રામેશ્વર હાઇસ્કૂલ બારોલીયાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ચોધરી ઉપસ્થિત રહી પ્રદર્શન તૈયાર કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહીત કર્યા હતા. તેમણે અબ્રાહમલિંકન અને રામાનુજનના જીવનપ્રસંગોની વાતો કરી મુશ્કેલીમાં પણ હિંમત હાર્યા વગર લક્ષ્ય તરફ આગળ વધતા રહેવા જણાવ્યું હતું. શાળાના કર્મનિષ્ઠ, વિદ્યાર્થીપ્રિય એવા ગણિતના શિક્ષિકા દિપાલીબેન અને શાળા પરિવારના સભ્યોના સુંદર સહયોગથી ગણિત દિવસ અર્થસભર રહ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અવિનાશભાઈએ કર્યું હતું.