પ્રતિકાત્મક ફોટાગ્રાફ

ડાંગ: છેલ્લા બે દિવસો દરમિયાન ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં 9 સંગઠનનાં બનેલા સંગઠન યુનાઈટેડ ફેડરેશન ઓફ યુનિયન દ્વારા 16 અને 17મી ડિસેમ્બરે બેંક કર્મીની હડતાળના પગલે અંતરિયાળ ગામડાનાં ગ્રાહકોને ભારે તકલીફ ઊભી થઈ હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓનાં ગ્રાહકોને બેંકોની હડતાળની ખબર નહીં હોવાથી તેઓ બેંકો પર આવ્યા તો ખરા પણ બેંકો પર તાળા લાગેલા હતા આમ સમય, નાણાંનો દુર્વ્યય થવાની સાથે ગ્રામિણ ડાંગના લોકો ધક્કા ખાતા નિરાશ જોવા મળ્યા હતા.

જો કે ડાંગના બેંકોનાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરતા પહેલા કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમો હડતાળ પર બેઠા છીએ, જે અમારા માટે નથી પરંતુ દેશનાં જનતાની હિત માટે બેઠા છીએ. આજે સરકાર બેંકોને બંધ કરીને ખાનગીકરણ કરવા જઈ રહી છે. જેમાં જો સરકાર બેંકોને ખાનગીકરણમાં આપશે તો લોકોનાં મહેનત મજૂરીનાં પૈસા કંપનીઓનાં હાથમાં જતા રહેશે અને આ ખાનગી કંપનીઓ ક્યારેક પણ ડૂબી જશે. જેથી બેંકોનાં ખાનગીકરણનો અમો વિરોધ નોંધાવીએ છીએ.