છોટાઉદેપુર: વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારના ગાલ પર તમાચો મારતા દ્રશ્યો છોટા ઉદેપુરના કુંડલ અને જીજરવામણી ગામથી ખાતેથી આવ્યા છે. અને સ્થાનિક લોકોને ડેમના પાણી પસાર કરવા ટ્યુબ અને ખાટલાથી બનાવેલ ઠાઠયાના સહારે રહેવું પડે છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી વિસ્તારમાં વિકાસના મોટા મોટા દાવા કરતી ગતિશીલ ગુજરાત સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.. વિકાસ પોકળ દ્રશ્યો છોટા ઉદેપુરના કુંડલ ખાતેથી સામે આવ્યા છે. લોકોને પોતાના ખેતર અને ઘરે જવા માટે સુખી ડેમના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બની જવું પડ્યું છે. સુખીડેમમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતા કુંડલ, લુણાજા અને જીજરવાણીના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠીને જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. આ ત્રણે ગામના લોકોના ખેતર એકબીજા ગામમાં હોવાથી તેઓએ ફરજીયાત સુખીડેમનું પાણી પસાર કરવું પડે છે. પાણી પસાર કરવા સ્થાનિક લોકોએ બે રબરની ટ્યુબ લઈ તેના પર ખાટલો ઊંધો બાંધીને ઠાઠયું બનાવ્યું છે અને બન્ને છેડે પાતળી દોરી બાંધીને દોરી ખેંચીને ડેમનું પાણી પસાર કરી સામે છેડે જીવમાં જોખમે જઇ રહ્યા છે.
ચોમાસામાં ડેમમાં ભરાયેલ પાણી લગભગ છ મહિના સુધી રહેતું હોવાને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ લોકોને સામે છેડે જવા માટે અન્ય વૈકલ્પિક રસ્તો છે પણ લગભગ ૫ કિલોમીટર દૂર જવું પડે જે આર્થિક રીતે ખૂબ જ મોંઘું પડે છે અને સમય પણ ખૂબ જ વેડફાઈ જતા આ ઠાઠયું બનાવીને પાણી પસાર કરવા મજબૂર બની ગયા છે. ત્યારે સરકાર કુંડલ, લુણાજા અને અને જીજરવાણી ગામના લોકો માટે પુલની વ્યવસ્થા કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે
BY નયનેશ તડવી

