ડાંગ: ૨ ઓકટોબર, ૨૦૨૧ થી તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત ‘પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ’ તથા ‘લીગલ સર્વિસ વીક’ના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ ગતરોજ આહવા ખાતે પ્રભાતફેરી સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તા.૧૪/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે આહવાના કોર્ટ કેમ્પસ થી બંધારપાડાના પેટ્રોલપંપ સુધી સમાપન સમારોહ અંતર્ગત જનજાગૃતિ અર્થે પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ હતુ. પોલીસ બેન્ડની સુરવાલીઓ વચ્ચે આયોજિત આ સમાપન કાર્યક્રમમા ન્યાયપાલિકા સાથે સંકળાયેલા કર્મયોગીઓ જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નામદાર નાલ્સા, સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ગત તા.૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ દરમિયાન આહવા તાલુકાના તમામે તમામ ગામોમા અંદાજિત ૧૫૦ થી વધુ કાનૂની શિક્ષણ શિબિર આયોજિત કરવામા આવી હતી. જેમા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કાયદાકિય જાણકારી આપવા સાથે, જનજાગૃતિ અર્થે સાહિત્યનુ પણ વિતરણ કરાયુ હતુ.