ગોધરા: આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવીને મોરવાહડફના ધારાસભ્ય પદે ચૂંટાયેલા અને રાજ્ય સરકારમાં આરોગ્ય અને આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી બનેલા નિમિષાબેનને ધારાસભ્ય અને મંત્રી પદે ગેરલાયક ઠેરવવા માટે ગુજરાતના આદિવાસી સમુદાયમાં વ્યાપક લોક માંગ ઉઠી છે.
જેના ભાગરૂપે ખોટા અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) પ્રમાણપત્ર વિરુદ્ધ લડત સમિતિના કન્વીનર પ્રવીણભાઈ પારગીની આગેવાની હેઠળ ગોધરા સત્યાગ્રહ છાવણી ખાતે અચોક્કસ મુદ્દતના ધરણા કાર્યક્રમ તારીખ 21 ઓક્ટોબર થી ચાલી રહ્યો છે. આજ રોજ ધરણાંના સાતમા દિવસે દાહોદના પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયાડ મેડમ અને કાર્યકર્તાઓએ ગોધરા સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈને સમર્થન આપ્યું હતું. દાપમ આદિવાસી સંગઠન અમદાવાદના પ્રમુખશ્રી વી.આર. ચારેલ સાહેબે ગોધરા ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું હતું. ગુજરાત રાજ્યની સાચા આદિવાસી અધિકાર બચાવો સમિતિના કન્વીનર ડૉ. રાજન ભગોરા સાહેબે ગોધરા છાવણીમાં ઉપસ્થિત રહીને સમર્થન અને માર્ગદર્શન આપ્યું હતું.
આદિવાસી એકતા પરિષદ ભિલોડાના પ્રમુખશ્રી ડૉ. ખરાડી સાહેબ, આદિવાસી વિકાસ ફાઉન્ડેશન ગોધરાના પ્રમુખશ્રી દેવજીભાઈ ડામોર સાહેબ, મંત્રી શ્રી નાથુભાઈ તડવી સાહેબ, કારોબારી સભ્યો અને યુવાનોએ સત્યાગ્રહ છાવણીમાં હાજર રહ્યા હતા.

