દાનહ: આજે દાનહ લોકસભાની પેટાચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે દાદરા નગર હવેલીમાં ચૂંટણી વિભાગ દ્વારા લોકસભાની પેટા ચૂંટણીમાં 1700 સુરક્ષા જવાન અને લગભગ 1500 કર્મચારીને ચૂંટણી ફરજ ઉપર લાગાવવામાં આવ્યા છે. પેટા ચૂંટણી માટે 333 ચૂંટણી કેન્દ્ર અને 9 ચૂંટણી કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરી ચૂંટણી સંપન્ન કરાવવા 2200થી વધારે લોકોની ચૂંટણી મેદાનમાં નિયુક્તિ કરવામાં આવી છે.
Decision Newsને સુત્રો પાસેથી મળેલા અહેવાલ મુજબ હાલમાં દાનહમાં કુલ 2,58,838 મતદાતાઓ છે જેમાં પુરુષ 1,36,429 મતદાતાઓ છે અને મહિલાઓ 1,22,409 છે. મહિલા મતદાતાઓ માટે મતદાન દરમિયાન વિશેષ મતદાન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યા છે. ત્યાં મહિલાને વિશેષ સુવિધા અપાશે. મતદાન કેન્દ્ર પર માત્ર મહિલા સુરક્ષા કર્મચારીઓ અને મતદાન કર્મીઓ તૈનાત રહેશે. વિકલાંગ અને વૃદ્ધો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ છે.
ચૂંટણી અધિકારી રાકેશ મિન્હાસે જણાવે છે કે દરેક મતદાતાઓ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત બનાવે. આ ચૂંટણીમાં હાલ તો ભાજપના મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે સીધો મુકાબલો દેખાય રહ્યો છે. બીજી નવેમ્બરે કરાડ પોલી ટેકનીક કોલેજમાં મતગણતરી કરાશે.