ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં વિકાસશીલ કામોની ગ્રાંટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ તથા પોતાના લાગતા વળગતાઓને ફાળવતા જિલ્લા પંચાયતનાં સદસ્યોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત આહવાની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વીપીન ગર્ગ તથા જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સામાન્ય સભામાં 15માં નાણાપંચ અંતર્ગત જિલ્લા પંચાયત આયોજન સમિતિ દ્વારા રજૂ થયેલ ડ્રાફ્ટ પ્લાન સૂચિત કામો 2020/21માં કૃષિ, પશુપાલન, ડેરી, વિકાસ અને મત્સ્યોધોગ, શિક્ષણ, માળખાગત વિકાસ, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠા/જળ સંસાધનો, પાણી પુરવઠા, સફાઈ માટે કુલ 393.34 લાખની ગ્રાંટની પ્રોસિડિંગ મંજુર કરવામાં આવી હતી. જે કુલ ગ્રાંટમાંથી મોટાભાગની ગ્રાંટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા તેઓની શૈક્ષણિક સંસ્થાઓ તથા પોતાના લાગતા વળગતાઓને ફાળવી હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતનાં વઘઇ સીટના જિલ્લા સદસ્ય હરીશભાઈ દ્વારા કરવામાં આવતા જિલ્લા પંચાયતમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત સામે આક્ષેપ કરતા જણાવે છે કે આજની ખાસ સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા સાકરપાતળ ગામથી કુંડા ગામ સુધીનો પાકો રસ્તો 17 લાખ, મહાલપાડા, ચીંચલી, શામગહાન, ચિચપાડા, આહવા, વઘઈ, કાલીબેલ, રંભાસ, સાકરપાતળ, પીપલદહાડ, મહાલ, જેવી ખાનગી સંસ્થાઓમાં 65 લાખનાં કામો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ અને લાગતા વળગતાઓને આપી દીધા છે. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા સરકારની વિકાસકીય મોટાભાગની ગ્રાંટ પોતાના સ્વ વિકાસ માટે વાપરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત પોતાના મનસ્વી રીતે અમોને વિશ્વાસમાં લીધા વગર અમુક કામોને બહાલી આપે છે. જે યોગ્ય નથી. દરેક જિલ્લા સદસ્યને વિશ્વાસ લઈ ગ્રાંટની પ્રોસિડિંગની મંજૂરી મળે તે જરૂરી છે.