મનરેગા યોજના અંતર્ગતના મસ્ટર તથા કામના ફોટા કે કામ નિયમ મુજબ થયાનાં પ્રમાણપત્ર ઉપર સહી ન કરવા બાબત તથા કેટલાક પડતર પ્રશ્નોને લઈને નાંદોદ તાલુકા મથકે તાલુકા વિકાસ આધિકારીને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નાંદોદ તાલુકા તલાટી મંડળના પ્રમુખ અને વડિયા ગ્રામપંચાયતના તલાટી દેવેન્દ્ર જોષી, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર સીસોદીયા, ગીતાબેન ચૌધરી, મંત્રી વિજય સુથાર અને પ્રવક્તા નીતા ચૌધરી સહીત તલાટીઓ હાજર રહ્યા હતા.

તલાટી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત રાજય તલાટી મહામંડળના આદેશથી તલાટીઓ મનરેગા યોજના અંતર્ગતના મસ્ટર તથા કામના લેટા કે કામ નિયમ મુજબ થયાનાં પ્રમાણપત્ર ઉપર સહી ન કરવા મુજબ નાંદોદ તાલુકા તલાટી મંડળ પણ સહિયો નહિ કરે અને આ આદેશનું પાલન કરવાના હોઈ આ બાબતે અમે જાણ કરતો એક પત્ર ટીડીઓ નાંદોદને આપ્યો છે. આ સાથે રેવન્યુ તલાટીની જગ્યા કાયમી ધોરણે રદ થાય એક ગ્રામપંચાયત એક તલાટી હોય, 4400નો ગ્રેડ પે સહીત કેટલીક રજૂઆતો સરકારમાં કરી છે અને તમામ તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે તલાટી મંત્રીઓને મનરેગા યોજના અન્વયે થતા કામોના ઓનલાઇન મસ્ટરમાં સહી કરવા ફરજ પાડવામાં આવે છે. મનરેગા યોજના લક્ષી ભારત સરકારની ગાઇડ લાઇન તેમજ તે અન્વયે ગુજરાત સરકારની પ્રસિદ્ધ થતી ગાઈડલાઈન અનુસાર મનરેગાના ઓનલાઇન મસ્ટરમાં તલાટી મંત્રીની સહી લેવાની નક્કી થયેલ નથી. આ જવાબદારી મેટ અને ગ્રામ રોજગાર સેવકની છે. મનરેગા મસ્ટર ઓનલાઇન નીકળે છે. જેમાં ક્યાંય તલાટી કમ મંત્રીનો ડેઝિગ્નેશન છપાઈને આવતી નથી. એનો અર્થ તલાટી મંત્રી એ મસ્ટરમાં સહી કરવાની નથી તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

તલાટી મંત્રીની જવાબદારી મનરેગાના કામોના ઠરાવો કરવા અને જોબકાર્ડ ઇસ્યુ કરવા પુરતી છે. જેની રાજ્ય તલાટી મંત્રી મહામંડળે ગ્રામ વિકાસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે તલાટીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.