કપરાડા: વર્તમાન સમયમાં રચાયેલી ભુપેન્દ્ર સરકારમાં આદિવાસી સમાજમાંથી કોને મંત્રી બનાવશે તેની આતુરતાના વચ્ચે આખરે વલસાડના કપરાડાના ધારાસભ્યએ મંત્રીપદના શપથ લેતાં તમામ અટકળોનો અંત આવ્યો હતો. આઝાદી પછી બીજી વખત આદિવાસી સમાજના વલસાડના ધારાસભ્યને મંત્રી બનાવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રાજકારણમાં ક્યારે સમય બદલાઇ તે કહેવું મુશ્કેલ છે આ વિધાન સત્ય ઠર્યું ખાસ કરીને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી મંત્રી બનશે તેવું પણ કોઇએ વિચાર્યુ ન હતું. જીતુભાઇ ચૌધરી દોઢ વર્ષ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ્યા હતા અને આટલા ટુંકા ગાળામાં મંત્રી પદ મેળવ્યું છે તેમનું ભાજપ પક્ષ પ્રેત્યેની સમર્પણ ભાવના, કુશળ લીડરશીપ, સમાજસેવાના અને આદિવાસી સમાજ પર તેમની પક્કડ તેમને આ રાજકીય સફળતા તરફ દોરી ગયા એમ કહેવામાં કશું ખોટું નથી.
ભુપેન્દ્ર મંત્રીમંડળમાં જીતુભાઇ ચૌધરી કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠોના રાજયકક્ષાના મંત્રી તરીકે નો કાર્યભાળ સંભાળશે. જીતુ ચૌધરી પારડી, કપરાડા અને ધરમપુર સહિતના આદિવાસી પટ્ટામાં મજબુત નેતા છે આમ લાંબા સમય બાદ વલસાડમાં ખાસ કરીને આદિવાસી સમાજમાંથી ધારાસભ્ય મંત્રી પદ મળ્યું છે હવે આદિવાસી લોકોના કામો જલ્દી થાય તેવી અપેક્ષાઓ રાખી આદિવાસી સમાજમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

