દરિયામાં માછીમારી કરવા માટે સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ ફિશરીઝ વિભાગ દ્વારા ટોકન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ખલાસીઓ દ્વારા દરિયાદેવ અને કુળદેવી માતાજીને પ્રાર્થના કર્યા બાદ બોટને દરિયામાં લઈ જવાની પરંપરા છે.

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી અને વાવાઝોડાની આગાહીના પગલે માછીમાર ભાઈઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો. આ નવી સિઝન સારી નીવડે તે માટે માછીમારોએ દરિયાદેવ કૃપાદ્રષ્ટિ કરે તેવી પ્રાર્થના કરી હતી. સીઝનના પ્રથમ દિવસે બોટમાં ડીઝલ, રાશન, બરફનો પૂરતો જથ્થો રાખી ફિશીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.