ચીખલી: ગત 20મી જુલાઈ એ ચીખલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં શકમંદ આરોપી અને ડાંગના વઘઈ તાલુકાના નાકા ફળિયામાં રહેતા રવિ સુરેશભાઈ જાધવ અને વઘઈના ડેડીયાપાડામાં રહેતા સુનીલ સુરેશભાઈ પવારને ઝડપી પાડી પુછપરછ માટે ચીખલી પોલીસ મથકે લાવ્યા હતા.
જ્યાં રવિ અને સુનીલે રાત્રી દરમિયાન પોલીસ મથકના કમ્પ્યૂટર રૂમમાં કોઈ અગમ્ય કારણોસર કમ્પ્યૂટર વાયર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસનું કહેવું છે. આ ઘટના અંગે આદિવાસી સમાજ અને રાજકીય પક્ષો એ અવાર -નવાર જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી જવાબદારો સામે માનવ વધ અને એક્ટ્રોસિટી એક્ટ હેઠળ નો ગુનો નોંધવા માંગ કરતા પોલીસે સસ્પેન્ડેડ પી. આઈ એ. આર. વાળા, પી. એસ. આઈ એમ.બી કોંકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવ વિરૂદ્ધ હત્યા અને એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ પી. આઈ એ. આર. વાળા, શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી યાદવ નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. પરંતુ ગત 10મી ઓગસ્ટે સસ્પેન્ડેડ પી. આઈ, એ.આર.વાળાએ આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હતી. જોકે ત્યારબાદ ફરી પી. આઈ. વાળા એ નવસારી સેન્સન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેની સુનાવણી ગત 31મી ઓગસ્ટે નવસારી બીજા અધિક સેશન જજની કોર્ટમાં સુનાવણી ચાલી હતી.
આરોપી પોલીસ અધિકારી હોવાથી તપાસને પ્રભાવિત કરવાની શક્યતા છે. એવી સરકારી વકીલની દલીલો. આ કેસમાં સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે એક્ટ્રોસિટી એક્ટ સ્પે. એક્ટ હોય કલમ- 18 મુજબ આનો લાભ મળી શકે નહી. આરોપી પોલીસ અધિકારી હોવાથી તપાસમાં ફરિયાદ પક્ષના પુરાવા મેળવવા માટેની કામગીરીમાં અડચણ ઉભી કરી પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી કરાવી તપાસ દરમિયાન તપાસને પ્રભાવિત કરવાની શક્યતા છે. આરોપી પોલીસ સ્ટેશનમાં અધિકારી છે એટલે સામન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જે કોઈ કાર્યવાહી કે કામગીરી તેમને જાણ કર્યા વગર થઈ શકે એવું અશક્ય છે. સાથે જ સરકારી વકીલે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ તાકતા હતા. જે દલીલો અને ચુકાદાઓ જજે ધ્યાને લેતા આરોપી સસ્પેન્ડેડ પી. આઈ એ. આર.વાળની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.