કોરોના મહામારીને કારણે હાલ પણ રાજ્યમાં શાળાઓ બંધ છે પરંતુ ઓનલાઇન એજ્યુકેશન યથાવત છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી શાળા સંચાલકો-વાલીઓ અને રાજ્ય સરકાર વચ્ચે ફી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને વાલીઓના લાંબા સંઘર્ષ બાદ રાજ્ય સરકારે 25 ટકા ફી માફી અંગેની જાહેરાત કરી હતી. આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તમામ બોર્ડની શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપતા જણાવ્યું છે કે, 2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકે. શાળાઓ માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે જેમાં 25 ટકા રાહત આપવી પડશે. જો વાલી ફી મોડી ભરે તો શાળાઓ દંડ પણ વસુલી શકશે નહિ.
આ પરિપત્રમાં 2019-20ની જો ફી બાકી હોય તો તે પણ 31 ઓક્ટોબર સુધી ભરપાઈ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ના ભરી શકે તો સ્કૂલ સમક્ષ કારણ રજૂ કરવું પડશે. જે મામલે શાળા સંચાલકોએ ફેસ ટુ ફેસ ગુણદોષને ધ્યાનમાં લઈ હકારાત્મક નિવારણ લાવવાનું રહેશે. જો સામાન્ય સંજોગોમાં વાલી સક્ષમ ના હોય તો શાળા સંચાલકો પાસે વાલીએ રજૂઆત કરવાની રહેશે. વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકે તેવો આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તમામ શાળાઓએ ફરજિયાત 25 ટકાની રાહત આપવી પડશે શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇ પણ શાળા વર્ષ 2020-21માં ફી વધારો નહીં કરી શકે. ટ્યુશન ફી સિવાયની ઇત્તર પ્રવૃત્તિની ફી પણ શાળાએ નહીં લઇ શકે. તમામ શાળાઓએ ફરજિયાત 25 ટકા ફીની રાહત આપવી પડશે. FRCએ નિયત કરેલી ફીમાંથી જ રાહત આપવી પડશે. 2020-21ના પ્રથમ સત્રની રાહત સાથે થતી ફીના 50 ટકા રકમ ભરવાની રહેશે. 100 ટકા ટ્યુશન ફી એડવાન્સ ભરી હોય તો તે શાળાએ સરભર કરી આપવાની રહેશે. આ ઉપરાંત 50 ટકા ફીની રકમ 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓએ ભરવાની રહેશે.
ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, “વાલીઓ પોતાની અનુકૂળતાએ શૈક્ષણિક વર્ષ 2020-21માં ફી ની રકમ માસિક ધોરણે અથવા તો એક સાથે પણ ભરી શકશે. ફીમાં જો વિલંબ થાય તો શાળા વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ નહીં વસૂલ કરી શકે.” અત્રે નોંધનીય છે કે આ પરિપત્ર ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE, ICSE, IB અને અન્ય બોર્ડ સંલગ્ન તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે.