ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર કરવામાં આવી છે પરંતુ આ કસોટીને કારણે ઘણો જ વિવાદ વકર્યો છે. ઘણાં શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર નથી. સોમવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ હતુ કે, આ સર્વેક્ષણ ફરજીયાત નથી. જે શિક્ષકો ઈચ્છે તે ભાગ લઈ શકે છે. જોકે, આ દરમિયાન બે શિક્ષક સંઘ સામસામે આવી ગયા છે. આ પરીક્ષાને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપ્યો છે. તો બીજી બાજુ આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય શિક્ષક સંઘે બહિષ્કાર કરી પરીક્ષા ન આપવા શિક્ષકોને ફરમાન કર્યું છે. બીજી બાજુ ગુજરાત વાલી મંડળના પ્રમુખે શિક્ષકો વિરૃદ્ધ પત્ર લખી સરકારને કોઈ પણ રીતે પરીક્ષા યોજવા અને કસોટી માટે સમર્થન આપ્યું છે.

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોની શિક્ષકોની સજ્જતા તપાસી સર્વેક્ષણ કરવા માટે કસોટી જાહેર કરવામા આવી છે. જે પહેલા 11મી ઓગસ્ટે થવાની હતી. જોકે ત્યારે પણ શિક્ષકોના ઉગ્ર વિરોધને કારણે આ કસોટી મરજીયાત કરવામા આવી હતી. જે બાદ આની તારીખ બદલીને 24મી ઓગસ્ટ કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘે તેમજ શૈક્ષિક સંઘ સહિતના તમામ મંડળોએ આ કસોટીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત શિક્ષક સંઘની સરકાર સાથે આ મુદ્દે વાટાઘાટો પણ થઇ હતી. જેથી પ્રાથમિક શિક્ષક સંઘે પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. પરંતુ શિક્ષક સંઘ પોતાની વાત પર અડંગ છે અને વિરોધ હજુ યથાવત છે.

શિક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં.

વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. જે પરીક્ષા મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે. કસોટીનો વિરોધ નિરર્થક છે. 1.18 લાખ શિક્ષકે પરીક્ષા માટે સહમતિ દર્શાવી છે. શિક્ષકોની ગુણવત્તાની ચકાસણી માટે તેમને શાળાઓના કલસ્ટર જૂથમાં (સીઆરસી) બપોરે 12.30 થી 2 કલાક સુધી તાલીમ આપવામાં આવશે. જે બાદ બપોરે 2 થી 4 કસોટી લેવામાં આવશે. આ કોઇ કસોટી કે પરીક્ષા નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.

પ્રાથમિક શિક્ષક સંઘ આ કસોટીનું સમર્થન  કરતા, પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષકોને અપીલ કરતા કહ્યું છે કે, આ કસોટી માટે 1.90 લાખ જેટલા શિક્ષકોમાંથી 1 લાખથી વધુ શિક્ષકોએ હોલ ટીકિટ ડાઉનલોડ કરી લીધી છે અને હવે સીઆરસી, બીઆરસી કોઓર્ડિનેટરોની પરીક્ષા લેવામા આવનાર નથી. અમે તમામ જિલ્લામાં શિક્ષકોને આ કસોટીમાં જોડાવવાની અપીલ કરી છે. જ્યારે બીજી બાજુ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે કહ્યું કે, અમે વિરોધ કરતા પરીક્ષા મરજિયાત કરાઈ છે. શિક્ષકોની કસોટી લેવાની હોય જ નહીં. આચાર્ય, સીઆરસી કક્ષાએ મૂલ્યાંકન થાય. ત્રિપલ સી જેમ આ કસોટી પણ ઇન્ક્રિમેન્ટમાં દાખલ કરી શકાય છે. આથી અમે પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે.