ડાંગ: ગુજરાતના સરહદે આવેલા ડાંગ જિલ્લાનાં વણઝારઘોડી ગામની આદિવાસી અને ગરીબ પરિવારની 12 વર્ષીય બાળકીને આહવાનાં સામાજિક આગેવાને નડિયાદનાં ટોળકી પાસેથી ઉગારી બાળ સુરક્ષા વિભાગને સોંપી સરાહનીય કામગીરી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહતી મુજબ ડાંગ જિલ્લાના વણઝારઘોડી ગામની આદિવાસી અને ગરીબ પરિવારની 12 વર્ષીય બાળકીને અમુક ઈસમો આદિવાસીઓનાં ભોળપણ અને ગરીબીનો ગેરલાભ ઉઠાવી નડિયાદથી આવેલ ઈસમોએ મામુલી રકમની લાલચ આપી લગ્ન માટે તૈયાર કર્યા હતા.અને આ નડિયાદનાં ઈસમો દ્વારા બાળકીનો લગ્ન માટેનો સોદો કરી આ બાળકીને નડિયાદ લઈ જવા માટે આહવા બસ ડેપો પર ગયા હતા. આ વિષેની જાણકારી આહવા તાલુકા પંચાયતનાં ન્યાય સમિતિનાં અધ્યક્ષ દિપકભાઈ પીંપળેને થતા તેઓ તુરંત જ આહવા બસ ડેપો ઉપર ધસી ગયા હતા. અહી આ નડિયાદનાં ઈસમો અને 12 વર્ષીય બાળકીની પૂછપરછ કરી તેઓએ તુરંત જ આહવા પોલીસ મથકે તથા બાળ સુરક્ષા અધિકારીને કરતાં અધિકારીઓની ટીમે દોડી આવી હતી આ બાળકીનાં ઉંમર વિશે પૂછપરછ કરતા આ બાળકી હજુ લગ્ન માટે પરીપક્વ ન હતી. તેમ છતા કોઈ દલાલ દ્વારા આ નડિયાદનાં ઈસમો સાથે સાઠગાંઠ કરી ગરીબ બાળકીનાં વાલીઓને થોડા ઘણા પૈસાનું પ્રલોભન આપી લગ્નનાં બહાને વેચવાનું કાવતરૂ સામે આવ્યું હતું.

આ સમગ્ર બનાવની હાલમાં બાળ સુરક્ષા વિભાગ ડાંગ દ્વારા આ 12 વર્ષીય બાળકીનો કબજો મેળવી તેનાં વાલીને યોગ્ય સમજ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા તાલુકા પંચાયતનાં ચેરમેન દીપકભાઈ પીંપળેએ સમય સૂચકતાથી ગરીબ પરિવારની આદિવાસી બાળકીને નરાધમ ઈસમોનાં ચૂંગાલમાંથી આબાદ બચાવી લેતા તેઓની કામગીરીને ડાંગજનો બિરદાવી રહ્યા છે.