ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં તોરવણી ફળિયામાં ખેતરમાં કામ કરતી વેળાએ એક મહિલાને તેના સંબંધીએ કોદાળીના બે ઘા મારતા તેનું ગંભીર ઈજાને પગલે મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
Decision Newsને પ્રાપ્ત વિગત અનુસાર ચીખલી તાલુકાના કુકેરી ગામના તોરવણી ફળિયામાં રમીલાબેન દિપકભાઈ પટેલ મજુરી કામ કરી પોતાનું અને પોતાના પરિવાર સાથે જીવન ગુજરાન કરતા હતા. તેઓ ગતરોજ પોતાના તોરવણી ફળિયાના પ્રવિણભાઈ પટેલના ખેતરમાં મજૂરીકામ માટે ગયા હતા ત્યારે કુકેરી ગામમાં રેહતા તેમના પતિના કાકા ભાઈ અશોકભાઈ મદારભાઈ પટેલ સાંજે 5.30 વાગ્યાના સમયે કોદાળી લઈને આવ્યો અને કામ કરતી રમીલાબેન પર કોદાળીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાથી બચવાએ રમીલાબેને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો હતો પણ અશોકભાઈએ ત્વરિત બીજો ઘા મારી દેતા રમીલાબેનને ગંભીર ઈજા થતાં જ તેઓ ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ ઘટના સ્થળ પર હજાર થઇ આરોપી અશોક પટેલની અટક કરી મૃતદેહને પીએમ માટે ચીખલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાવી દીધો હતો. હજુ સુધી પોલીસ હત્યાનું સાચું કારણ શોધી શકી નથી. પરંતુ સ્થાનિક લોકોમાં ચર્ચા થઇ રહી છે કે આ હત્યા જમીન બાબતમાં કરવામાં આવી છે પોલીસ તપાસ ચાલુ જ છે થોડા દિવસમાં સત્ય બહાર આવશે.