ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદમાં સપડાયા બાદ સ્કૂલમાંથી વાલીઓ LC કઢાવી રહ્યા છે. ત્યારે 100 થી પણ વધુ વાલીઓ ગુરુવારે શાળા ખાતે LC બાબતે હોબાળો મચી જતાં ઈનચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પોલીસની દખલગીરી થતાં શાળાના આચાર્યએ 25મી જુલાઈ સુધીમાં તમામને LC કાઢી આપવાની હામી ભરતા મમલો થાળે પડયો હતો.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ખેરગામ વેણ ફળિયામાં 73 એએની જમીન ઉપર વલસાડના શ્રી નરનારાયણદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ સંસ્કાર ધામના નામે 2011માં ગેરકાયદેસર સ્કૂલ તાણી દેવામાં આવી હતી. સમય જતાં આ સ્કૂલના સંચાલકો અને આચાર્ય વચ્ચે વિવાદ થતાં આ સ્કૂલનું બાંધ કામ ગેરકાયદેસર હોવાનું પ્રકરણ બહાર આવી ગયું હતું. જેના કારણે વાલીઓએ અગાઉ શાળામાં હોબાળો મચાવી દીધો હતો. શાળાના આચાર્યએ 250 જેટલા વિદ્યાર્થીઓને LC પકડાવી દીધા હતા. પરંતુ જનરલ રજીસ્ટર માંથી નામ કમી નહી કરતાં વાલીઓએ ખેરગામ પી.એસ.આઈ અને જિલ્લા પ્રથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી.

વાલીઓની રજૂઆતના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઈનચાર્જ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ કરી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે ગુરુવારે 100થી પણ વધુ વાલીઓનું ટોળું સ્કૂલમાં ધસી જઈ LC કઢાવા બાબતે હોબાળો કર્યો હતો. ત્યારે ઈનચાર્જ ખેરગામ તાલુકા શિક્ષણ અધિકારી પણ ગુરુવારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલ ખાતે ધસી આવી શાળાનાં આચાર્યને જિલ્લા શિક્ષણ વિભાગમાંથી આવેલ લેટર પકડાવી વિધાર્થીઓને LC કાઢી આપવાની આચાર્યને સૂચના કરી હતી. ત્યારે શાળાનાં આચાર્યએ 25મી જુલાઈ સુધીમાં તમામ વિદ્યાર્થીઓની LC કાઢી આપવાની બાહેધરી આપી હતી. પરંતુ શાળાના આચાર્ય અને કર્મચારી સાથે વાલીઓની વધુ તુતું મેમે થતાં પોલીસ વચ્ચે પડી મામલો સંભાળ્યો હતો.