વલસાડ: વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીમાં પોતાના પ્રાણ અને પરિવારની પરવાહ કર્યા વગર સતત કામ કરી રહેલ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પર વધી રહેલ હિંસક બનાવો સામે આખા દેશના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી “સેવ ધ સેવિયર્સ”ના પ્લેકાર્ડ દર્શાવી મુકવિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડ આઇએમએના પ્રેસિડેન્ટ ડો.નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું કે કોઈપણ ડોકટરો પોતાના દર્દીઓ જીવ ગુમાવે એવુ ક્યારેય ઈચ્છતા નથી હોતા પરંતુ અત્યંત ગંભીર હાલતવાળા દર્દીઓ અથાક મહેનત પછી પણ બચી શકતા નથી ત્યારે ફરજ પર હાજર તબીબો- પેરામેડિકલ સ્ટાફ પર હિંસક હુમલાએ ક્યારેય સ્વીકાર્ય નથી કારણ કે અમે પણ માણસો જ છીએ અને અમારી પણ મર્યાદાઓ છે અને કોરોનામા દેશભરમા 1200 થી વધુ તબીબોએ લોકોના જીવ બચાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આ વાત દેશના 99 ટકા લોકો સારી રીતે સમજે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો હજુ સુધી આટલી સરળ સમજી શકયા નથી,તો એવા લોકોમાં કડક સંદેશ જાય કે ડોક્ટરો કોઈની અંગત જાગીર નથી કે મનફાવે એવુ કૃત્ય કરશો ને ડોકટરો સ્વીકારી લેશે,હવે પછી કોઈપણ હિંસક બનાવો સામે તબીબો સાંખી લેશે નહિ અને આવા અસામાજિક તત્વોનો તમામ ડોકટરો ભેગા મળી કાયદાકીય વિરોધ કરશે અને તમામ ડોકટરો સારવાર માટે બહિષ્કાર પણ કરશે અને આવા અસામાજિક તત્ત્વો કાબુમાં રહે તે માટે કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે એવી અમારી માંગણી છે.

ઉલ્લેખનીય છે કે તબીબોએ દર્દીઓ હેરાન નહિ એટલે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. આમાં વલસાડ જીલ્લા આઇએમઍના ડોકટરો,સરકારી તબીબો, મેડિકલ સ્ટુડન્ટ્સ,ઇન્ટર્ન ડોકટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.