નવસારી: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ નવસારીના બે અધિકારીઓ-ઇજનેરોને રૂ. 40,000 ની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ બનાવથી સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઝડપાયેલા આરોપીઓ: 1. બ્રિજેશભાઇ રમેશભાઇ ગોંડલીયા (નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-2) 2. નયન રાજાભાઇ બલદાણિયા (મદદનીશ ઇજનેર – કરાર આધારિત) બનાવની વિગતો અનુસાર, ફરિયાદીએ સરકારી ટેન્ડર પ્રક્રિયા હેઠળ કંમ્પાઉન્ડ દીવાલનું નિર્માણ કાર્ય પૂરું કર્યું હતું. આ કામના મંજૂર થયેલા બિલના નાણાં ચૂકવવાના બદલામાં બંને ઇજનેરોએ શરૂઆતમાં રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે 40,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે 10 સપ્ટેમ્બર 2026 ના રોજ સુરતના નર્મદનગર સોસાયટી (મકાન નં. 33 ની સામે) ખાતે ACB ની ટીમે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી મદદનીશ ઇજનેર નયન બલદાણિયા ફરિયાદી પાસેથી રૂ. 40,000 ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ રઝેહાથ પકડાઈ ગયા હતા.
તપાસ દરમિયાન મુખ્ય આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશભાઇ ગોંડલીયાની પણ સીધી સંડોવણી ખુલીને સામે આવતા ACB દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. લાંચની તમામ રકમ 40,000 સ્થળ પરથી રીકવર કરી લેવામાં આવી છે. આ સફળ ટ્રેપિંગ કામગીરી સુરત શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ધડુક અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.











