વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના કેલીયા ગામની વતની અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતી યુવતી સારા વિરલ ગાયનેએ ગુજરાત રાજ્ય કક્ષાની હોમ ગાર્ડ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને વાંસદા હોમગાર્ડ વિભાગ તેમજ આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ રાજ્યસ્તરીય હોમ ગાર્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં સારા બેને 100 મીટર દોડમાં પ્રથમ સ્થાન, 200 મીટર દોડમાં દ્વિતીય સ્થાન અને લાંબી કુદમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિથી તેણે ન માત્ર વ્યક્તિગત ઉત્કૃષ્ટતા દર્શાવી છે પરંતુ આદિવાસી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. આ સિદ્ધિ બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી તેમજ ખેરગામની ચિંતુબાનો છાંયડો હોસ્પિટલના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ અને તેમની ટીમે સારા વિરલ ગાયનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
ડૉ. નિરવ પટેલે જણાવ્યું કે, “આવી યુવતીઓની મહેનત અને સફળતા આદિવાસી સમાજના યુવાનો માટે મોટી પ્રેરણા છે. તેમની આ સિદ્ધિ સમાજના વિકાસ અને મહિલા સશક્તિકરણનું પ્રતીક છે.” વાંસદા હોમગાર્ડ વિભાગના અધિકારીઓ અને આદિવાસી સમાજે પણ આ પ્રસંગે સારાની પ્રશંસા કરી છે અને તેને આગળની સ્પર્ધાઓમાં વધુ સફળતા મેળવવા શુભેચ્છા પાઠવી છે.











