દક્ષિણ ગુજરાત: કાળઝાળ ગરમીના આ દિવસોમાં લોકો શરીરને ઠંડક આપતા અને પૌષ્ટિક ફળોની શોધમાં બજારોમાં ભટકતા હોય છે. પરંતુ કુદરતે આપણને દરેક ઋતુમાં મફતમાં તાજા અને રસદાર ફળો પૂરા પાડે છે. એવું જ એક અનોખું અને સ્વાદિષ્ટ ફળ છે શેતુર, જે દક્ષિણ ગુજરાતના ગામડાઓ ઉનાળાની શરૂઆત સાથે પાકવા લાગે છે.
શેતુરનું ઝાડ મધ્યમ કદનું હોય છે અને તેના ફળ કાચા હોય ત્યારે લીલા રંગના, પછી લાલ અને સંપૂર્ણ પાકે ત્યારે ઊંડા કાળા-જાંબલી રંગના થઈ જાય છે. આ ફળ સ્વાદમાં ખાટું-મીઠું અને રસદાર હોય છે, જે બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ ભાવે છે. આ ફળની સીઝન મુખ્યત્વે ફેબ્રુઆરીથી એપ્રિલ-મે સુધી રહે છે, જેમાં તે સૌથી વધુ મળી આવે છે. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. શેતુરમાં વિટામિન C, વિટામિન A, વિટામિન K, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટીઑક્સીડન્ટ્સ અને ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે.
આયુર્વેદ અને આધુનિક સંશોધન અનુસાર શેતુરના અનેક ફાયદા છે:
• લોહી (એનિમિયા) વધારવામાં મદદરૂપ: આયર્ન અને વિટામિન Cના કારણે લોહીની ઉણપ દૂર કરે છે.
• શરીરને ઠંડક આપે: ઉનાળામાં શરીરને હાઈડ્રેટ અને ઠંડું રાખે છે.
• આંખો માટે ફાયદાકારક: વિટામિન A અને એન્ટીઑક્સીડન્ટ્સ મોતિયાનું જોખમ ઘટાડે અને આંખનું તેજ વધારે છે.
• પાચનતંત્ર સુધારે: ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાત દૂર કરે છે અને પાચન સારું રાખે છે.
• શરીરને તાકાત અને રોગપ્રતિકારક શક્તિ આપે: એન્ટીઑક્સીડન્ટ્સથી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.
• અન્ય ફાયદા: કોલેસ્ટ્રોલ ઘટાડે, બ્લડ શુગર નિયંત્રણમાં મદદ કરે, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
(સ્ત્રોત: આયુર્વેદિક અને સ્થાનિક પરંપરાઓ આધારિત)











