વાંસદા: ભીનારના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ સમિતિમાં આદિવાસી હકો માટે અમૂલ્ય યોગદાન આપનાર ડો. જયપાલસિંહ મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત રત્ન અને પૂર્ણકદ પ્રતિમાની માંગ કરાઈ છે.

બંધારણ સમિતિમાં આદિવાસી બાબતોના ડ્રાફ્ટિંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને અનુસૂચિ 5, 6 તેમજ 20 હેઠળ આદિવાસીઓને વિશેષ હકો અપાવનાર જયપાલસિંહ મુંડાને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ પ્રસંગે ડો. પ્રદીપભાઈ ગરાસિયા, ડો. નિરવ ભુલાભાઈ પટેલ, નિવૃત્ત સચિવ અશોકભાઈ પટેલ, ડો. એ. જી. પટેલ, ડો. ઝવેરભાઈ પટેલ, સરપંચ રાકેશભાઈ પટેલ, લાલુભાઈ પટેલ, ભાવિક, મુકેશભાઈ, ચંદ્રકાન્તભાઈ, હેમંતભાઈ, હિતેશભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનોએ એકસૂરે માંગ કરી હતી કે ખડકાળા સર્કલ પર તત્કાલિન આઈસીએસ અધિકારી અને 1928ના ઓલિમ્પિકમાં હોકીમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવનાર ડો. જયપાલસિંહ મુંડાજીની પૂર્ણકદ પ્રતિમા સ્થાપવામાં આવે તેમજ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવે. આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું કે ડો. જયપાલસિંહ મુંડા આદિવાસીઓના સાચા હિમાયતી અને રાષ્ટ્રીય ગૌરવ હતા. તેમના યોગદાનને સ્મરણમાં રાખવા માટે તરત જ પ્રતિમા સ્થાપન અને ભારત રત્નની જાહેરાત થવી જોઈએ. આ માંગ સાથે આદિવાસી સમાજે વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here