દક્ષિણ ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા છેવાડાના અને વંચિત સમુદાયના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રહેવાની સુવિધા મળી રહે તે હેતુથી આશ્રમ શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ શાળાઓ આશીર્વાદ સમાન હતી.
છેલ્લા કેટલાક સમયથી આ શાળાઓ પ્રત્યે સરકારની ઉદાસીનતા ચિંતાનો વિષય બની છે. સરકાર દ્વારા નવી આશ્રમ શાળાઓને મંજૂરી આપવામાં આવતી નથી. શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતા વધુ શાળાઓની જરૂરિયાત ઊભી થઈ છે, તેમ છતાં નવી મંજૂરીઓ અટકાવી દેવામાં આવી છે જેના કારણે અંતરિયાળ વિસ્તારોના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ખાનગી શિક્ષણ પરવડે તેમ નથી. જે શાળાઓ હાલમાં કાર્યરત છે, તેમને પણ સમયસર અને પૂરતી ગ્રાન્ટ મળતી નથી. આશ્રમ શાળાઓ મુખ્યત્વે સરકારી સહાય પર નભતી હોય છે. ગ્રાન્ટમાં વિલંબ થવાને કારણે વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તા પર અસર પડે છે. શાળાના મકાનોનું સમારકામ અટકી જાય છે. શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફના પગારમાં વિલંબ થાય છે.
આશ્રમ શાળાઓમાં માત્ર શિક્ષણ જ નહીં, પણ નિવાસ અને ભોજનની પણ વ્યવસ્થા હોય છે. પરંતુ પીવાના શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલયનો અભાવ જોવા મળે છે. રહેવા માટેના રૂમો જર્જરિત અવસ્થામાં છે. આધુનિક શૈક્ષણિક સાધનો કે લાયબ્રેરીની સુવિધા મળતી નથી. જ્યારે પાયાનું શિક્ષણ જ નબળું પડે છે, ત્યારે તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર થાય છે સુવિધાઓના અભાવે વાલીઓ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરે છે. જો આશ્રમ શાળાઓને સમયસર ગ્રાન્ટ, નવી મંજૂરી અને જરૂરી સવલતો પૂરી પાડવામાં નહીં આવે, તો આ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર ફેંકાઈ જશે.











