કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસકાર્યોને નવી દિશા આપતા ખેરલાવ સામર ફળિયા તેમજ અંભેટી નાયકવાડ વિસ્તારમાં આઝાદી પછી પ્રથમ વખત મહત્વપૂર્ણ રસ્તા કામનું ખાતમુહૂર્ત યોજાયું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાગી ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે અને આશરે 1.5 કિલોમીટર લંબાઈ ધરાવતા આ રસ્તા કામનું ખાતમુહૂર્ત કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વર્ષોથી માર્ગ સુવિધાથી વંચિત રહેલા આ વિસ્તારના લોકો માટે આ ખાતમુહૂર્ત ઐતિહાસિક ક્ષણ સમાન બન્યું છે. રસ્તા સુવિધા ઉપલબ્ધ બનતા સ્થાનિક લોકોને અવરજવર વધુ સરળ બનશે, તેમજ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. લાંબા સમયથી લોકો દ્વારા ઉઠાવવામાં આવતી માંગ હવે સાકાર થતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, મંત્રી શ્રી અંકીત પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનીત પટેલ, મહામંત્રી શ્રી રાજેશ આહિર, પૂર્વ પ્રમુખ શ્રી મહેશ દેસાઈ, કપરાડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી કમલેશ પટેલ, SC મોરચા પ્રમુખ શ્રી વિજય રોહિત, અંભેટી સરપંચ શ્રી યોગેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સતત પ્રયત્નશીલ ખેરલાવના યુવા સરપંચ શ્રી મયંક પટેલે આ મહત્વપૂર્ણ રસ્તા કામ માટે રાજ્ય સરકાર, કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીજી તથા ભાજપના તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ રસ્તા કામથી વિસ્તારના લોકોની વર્ષોથી રહેલી સમસ્યાનો અંત આવશે અને વિકાસના નવા દ્વાર ખુલશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમને લઇ સમગ્ર વિસ્તારમાં આનંદ, ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ પણ આ વિકાસલક્ષી કાર્યને આવકારી ખુશી વ્યક્ત કરી હતી. વિકાસના માર્ગે આગળ વધતું ખેરલાવ ગામ હવે નવી ગતિ સાથે પ્રગતિના પંથે આગળ વધશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here