કપરાડા ધરમપુર: વિજ વિભાગના કામમાં એક મહિના સુધી ફિટર-હેલ્પર તરીકે મહેનત કરાવી લીધા બાદ મજૂરીના રૂપિયા ચૂકવવાની ના પાડી, વર્ષોથી નાહ્યા વગર રહેતા આદિવાસી મજૂરોને ઢોર માર મારવાની, માબેનની ગાળો આપવાની અને ચોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે કપરાડા તાલુકાના ગિરનારા ગામના મજૂરોએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીઓમાં વિલાસભાઈ, મહેન્દ્રભાઈ, ઉમેશભાઈ, વિજયભાઈ, અજયભાઈ, કમલેશભાઈ, ધનેશભાઈ, પંકજભાઈ, ગણપતભાઈ, ચંદ્રકાંતભાઈ, મુકેશભાઈ, ગુલાબભાઈ સહિત અનેક મજૂરોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે વિજ વિભાગના મરોલીના કોન્ટ્રાક્ટર અરવિંદ પાંડે અને વાપી-કરમબેલીના સુપરવાઇઝર ફુલચંદ બિંદે નવેમ્બર ૨૦૨૫માં ખારવેલ, વાંકલ, મરોલી સહિતના ગામોમાં એક મહિના સુધી કામ કરાવ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ મજૂરી ચૂકવવાની ના પાડી દેવામાં આવી હતી. જ્યારે મજૂરોએ બીજી વાર મજૂરી માંગી ત્યારે ઉપરોક્ત લોકોએ અત્યંત અશ્લીલ અને ગંદી ગાળો આપી, કપડાં કાઢીને ઢોર માર મારવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “આજકાલ ઐયાસી કરવા અને વગર મહેનતે મફતનું ખાવા ટેવાયેલા લોકો બીજાની મહેનતના રૂપિયા પચાવી પાડવામાં ખૂબ જ પાવરધા બની ગયા છે. એવા લોકોને મહેનત કરવી જ નથી હોતી અને મફતનું ખાવાની તક જ શોધ્યા કરતા હોય છે. આદિવાસી વિસ્તારોની પ્રજા ભલીભોળી અને કાયદાથી અજ્ઞાન હોવાને લીધે આવા લેભાગુ તત્વો સરળતાથી તેમને શિકાર બનાવી જતા હોય છે અને ગરીબોના હકના રૂપિયા ચાઉં કરી જતા હોય છે.”

ડો. નિરવ પટેલે આદિવાસી યુવાનોને અપીલ કરતાં કહ્યું કે, “જેઓ તમારી મહેનતના રૂપિયા ચાઉં કરી ગયા હોય તેવા લોકો વિરુદ્ધ ન્યાયિક રીતે લડત નહીં આપી તેવાઓનું મનોબળ વધારવાનું કામ બંધ કરો. કારણ કે એકવાર ખોટા કામોમાં ફાવટ આવી ગયા બાદ લોકો ધીરે ધીરે ગુનાખોરીના રસ્તાઓ તરફ પગરવ માંડવા લાગતા હોય છે, જે સભ્ય સમાજ માટે ઘણી ભયાવહ બાબત છે.”

ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મજૂરોએ ન્યાય અને તેમની મજૂરીની વસૂલાતની માંગ કરી છે. પોલીસે આ ફરિયાદની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ઘટના આદિવાસી વિસ્તારોમાં મજૂરોના શોષણના વધતા પ્રકારને ફરી એકવાર ઉજાગર કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here