નવીન: ગુજરાતમાં હિન્દુ રાષ્ટ્ર : ‘અમારી આપો, તમારી લઈ જાવ!’ ગુજરાતમાં પરણિત મહિલાઓ હિન્દુ રાષ્ટ્રની બજારુ ચીજ બની ગઈ છે! જુઓ, શું થઈ રહ્યું છે ગુજરાતમાં-
[1] પહેલાં જુદી જુદી જાતિઓના સમાજોએ યુવાનો અને યુવતીઓને રોમેન્ટિક પ્રેમ કરવાની ના પાડી. એમાં કેટલાક ધારાસભ્યો પણ જોડાયા! થોડાંક વર્ષો પહેલાં સુરત અને રાજકોટમાં પટેલોના સમાજોએ સેંકડો યુવાન છોકરીઓ અને છોકરાઓને એવા સોગંધ લેવડાવ્યા હતા કે તેઓ પ્રેમ નહીં કરે, અને કરશે તો પણ લગ્ન તો માબાપ કહે ત્યાં જ કરશે! પૈસાદાર થવાથી મગજ વિકસિત થતું નથી, તે પછાત જ રહે છે. એનો આ પુરાવો હતો. આ ચેપ હવે અન્ય સમાજમાં લાગ્યો છે. OBC જ્ઞાતિઓ સામસામે આવી ગઈ છે!
[2] એટલે ગુજરાત સરકારે હમણાં કાયદામાં ફેરફાર કરીને એના પર મંજૂરીની મહોર મારી અને કહ્યું કે પ્રેમ કરતાં પહેલાં કે લગ્ન કરતાં પહેલાં માબાપને પૂછો.
[3] હવે એક નાતના લોકો એક યુવતીનું અપહરણ કરે છે અને એના પરિવારમાં પાછી લઈ આવે છે. એ યુવતી હવે એમ કહે છે કે એ તો એના પ્રેમીને છોડીને પોતાની મરજીથી માબાપને ત્યાં પાછી આવી છે! આને આખી નાતે એ યુવતી પર કરેલો સામાજિક બળાત્કાર ન કહેવાય? એ નાતનો સમાજ એ યુવતીને એની મરજીના યુવક સાથે પ્રેમલગ્ન કરવા દેતો નથી કારણ કે એ યુવક બીજી કોઈક નાતનો છે!
[4] હવે એ યુવક જે નાતનો છે એ નાતના લોકો એમ કહે છે કે ભૂતકાળમાં અમારી નાતની જે છોકરીઓ તમારી નાતમાં પરણી છે એ બધી પાછી આપો! હવે ગજગ્રાહ ચાલુ થયો છે! બે નાતોના સમાજો મારામારી પર ઊતરી આવ્યા છે!
કમાલ તો એ છે કે આ બધા પાછા રાધાકૃષ્ણની પૂજા કરનારા જ છે ! ક્યાં જઈ રહ્યું છે આ ‘ગરવી ગુજરાત’? કેટલી શરમજનક વાત છે આ કે સમાજને નામે, પરિવારની કહેવાતી ઈજ્જતને નામે રોમેન્ટિક પ્રેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
એક કેનેડિયન અમેરિકન સમાજશાસ્ત્રી છે ઇરવિંગ ગોફમેન(1922-82). તેમણે તેમના 1956ના એક પુસ્તકમાં એવું લખ્યું છે કે, “સમાજ એક પાગલખાનું છે અને તેમાં રહેનારા એ ચલાવે છે.” ગુજરાતના લોકો અને ગુજરાતની સરકાર બંનેને આ વાક્ય અત્યારે લાગુ પડે છે. આ હિન્દુ રાષ્ટ્રનું ગુજરાત મોડેલ છે! શરમ કરો જરા, સમાજો અને સરકાર બંને.
કમાલ છે ને! આ બધા કેવા હિન્દુઓ છે કે જે પરણિત યુવતીઓની લેવડદેવડ યુવતીઓની મરજી વગર કરી રહ્યા છે. જાણે કે આ યુવતીઓનું બજાર ઊભું થઈ ગયું છે: અમારી પાછી આપો, તમારી પાછી લઈ જાવ! પરણિત યુવતીઓ હિન્દુ રાષ્ટ્રના બજારની ચીજ છે ? [સૌજન્ય: પ્રો. હેમંતકુમાર શાહ, 18 માર્ચ 2026]
BY: રમેશ સવાણી











