દક્ષિણ ગુજરાત: જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજ માટે મહુડો (Madhuca longifolia) માત્ર એક વૃક્ષ નથી, પરંતુ જીવનનો આધાર છે. મહુડાના વૃક્ષનો દરેક ભાગ કોઈને કોઈ રીતે ઉપયોગી છે. મહુડાના ફૂલ, ફળ (ડોડિયા), બીજ, તેલ અને લાકડું – બધું જ આદિવાસી જીવન સાથે જોડાયેલું છે. તેથી જ મહુડાને આદિવાસીઓનું જીવન વૃક્ષ કહેવામાં આવે છે.
મહુડાના ફૂલ પડવાની શરૂઆત સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતથી થાય છે અને માર્ચ અને એપ્રિલ મહિનામાં વધારે પ્રમાણમાં ફૂલ પડે છે. આ સમયને ગામડાઓમાં મહુડાનો મોસમ કહેવાય છે. મહુડાના ફૂલ મોટાભાગે રાત્રે પડે છે, તેથી લોકો વહેલી સવારે જંગલમાં જઈને ફૂલ એકત્રિત કરે છે. તાજા પડેલા ફૂલ વધારે મીઠા અને સારા માનવામાં આવે છે. મહુડાના ફૂલ – માણસ સાથે સાથે પક્ષી અને પ્રાણીઓ માટે પણ ખોરાક મહુડાના ફૂલમાં કુદરતી મીઠાશ હોવાથી ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ તેને ખાવા આવે છે. સનબર્ડ, મૈના, પોપટ, બુલબુલ, મોર જેવા પક્ષીઓ મહુડાના ફૂલનો રસ પીવે છે. જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ જેમ કે જંગલી સૂર, ખિસકોલી, સસલું, હરણ, સાંબર તેમજ ગામડાની બકરીઓ અને ઢોર પણ મહુડાના ફૂલ ખાય છે. આ રીતે મહુડો જંગલના પ્રાણીઓ માટે પણ મહત્વનો આહાર છે.
મહુડાના ફૂલમાંથી બનતી વાનગીઓ
મહુડાના ફૂલ મીઠા અને પૌષ્ટિક હોવાથી આદિવાસી વિસ્તારમાં અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે મહુડાનો રોટલો મહુડાના લાડુ લાપસી ખીર હલવો શરબત આ વાનગીઓ શરીરને તાકાત આપે છે અને ખાસ કરીને મહેનત કરનાર લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે.
મહુડો – આવકનું સાધન
આદિવાસી ભાઈઓ અને બહેનો મહુડાના ફૂલ એકત્રિત કરીને તેને સુકવે છે અને બજારમાં વેચે છે. સામાન્ય રીતે સૂકવેલા ફૂલનો ભાવ લગભગ ₹100 પ્રતિ કિલો અથવા તેથી વધુ મળે છે. જો ફૂલ સાફ અને સારી રીતે સુકવેલા હોય તો વધુ ભાવ પણ મળે છે. આથી મહુડો આદિવાસી સમાજ માટે આવકનું મહત્વનું સાધન છે.
મહુડાના ફૂલમાંથી બનતો દેશી દારૂ
મહુડાના ફૂલમાંથી પરંપરાગત રીતે દેશી દારૂ બનાવવામાં આવે છે. મર્યાદિત માત્રામાં લેવાય તો કેટલાક લોકો તેને ઔષધીય માનતા હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં પીવાથી નુકસાન થાય છે. મહુડાને જીવન વૃક્ષ કેમ કહેવાય ? કેમ કે મહુડો આદિવાસી સમાજને ખોરાક આપે દવા આપે તેલ આપે આવક આપે અને પરંપરા સાથે જોડે એટલા માટે મહુડાને આદિવાસીઓનું જીવન વૃક્ષ કહેવામાં આવે છે.
BY: હેમંત વસાવા











