નવસારી: આજરોજ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) હેઠળ નવસારી સર્કલમાં ઇચ્છાપોર ડિવિઝન દ્વારા ભેસ્તાન (સુરત) ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ GETCO ના કર્મચારીઓમાં એકતા જળવાઈ રહે તે છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ફાઈનલ મુકાબલો ક્રિસ પાવર અને ઓમ પાવર વચ્ચે રમાયો, જેમાં ક્રિસ પાવર ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચ સાંજે 7:00 વાગ્યા પછી પણ ચાલુ રહી હતી, જેના કારણે અંધારું થઈ જતા ઓમ પાવર ટીમને બેટિંગ દરમિયાન લાઈટિંગના અભાવને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટનું આયોજન નજીક નજીક આવેલા બે મેદાનો પર કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે GETCOના કે. યુ. પટેલ અને જે. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કે. યુ. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટ દર વર્ષે યોજવી જોઈએ, જેથી GETCOમાં એકતા જળવાઈ રહે અને દરેક ડિવિઝનમાં આવી સ્પર્ધાઓ થવાથી કર્મચારીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે. વ્યક્તિગત પ્રદર્શનમાં, વિપુલ ગામીતે 204 રન બનાવી ‘બેસ્ટ બેટ્સમેન’નો ખિતાબ મેળવ્યો હતો, જ્યારે સ્મિતે ઉત્તમ બોલિંગ કરીને ‘બેસ્ટ બોલર’નો એવોર્ડ જીત્યો હતો. ફાઈનલ મેચ મોડું શરૂ થવાને કારણે તેને 4 ઓવરની રાખવામાં આવી હતી, છતાં અંધારું થઈ જતાં રમતમાં થોડો વિઘ્ન આવ્યો, પરંતુ તમામ ખેલાડીઓએ ખુબ આનંદ માણ્યો. આગામી સમયમાં પણ દર વર્ષે આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here