ઉકાઈ: તાપી જિલ્લાના નવા બનેલા ઉકાઇ તાલુકામાં ભ્રષ્ટાચાર સામે ACB એ કડક કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સબસીડી મંજૂર કરવા બદલ 6000 ની લાંચ લેતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા છે.

Decision News ને મળતી માહિતી મુજબ, ઉકાઇ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને બાઇક અને ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે મળતી સબસીડી મંજૂર કરવા બદલ 5000 થી 10000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની એસીબીને ફરિયાદો મળી રહી હતી. આ બાતમીના આધારે તાપી એસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે.જે. ધડુક અને તેમની ટીમે એક જાગૃત નાગરિકના સહકારથી ડિકોઈ છટકું ગોઠવ્યું હતું. યોજનાના પસંદ થયેલા લાભાર્થીએ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા સંપર્ક કરતાં વર્ગ 3 ના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસભાઈ રમેશભાઈ ચૌધરી દ્વારા 6000 ની લાંચ માંગવામાં આવી હતી. આજરોજ ઉકાઇ કચેરી ખાતે આરોપી તેજસભાઈ ચૌધરીએ લાભાર્થી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ પહેલેથી જ ગોઠવાયેલા એસીબીના સ્ટાફે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ. 6000 ની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે. આ ટ્રેપિંગ કાર્યવાહી પીઆઈ કે.જે. ધડુકના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

કામગીરીનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.  ઉકાઇને નવો તાલુકો જાહેર કર્યા બાદ સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો આ કિસ્સો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here