તમિલનાડુ: તમિલનાડુના પછાત પહાડી વિસ્તારમાંથી આવતી 23 વર્ષની આદિવાસી યુવતી વી. શ્રીપતિએ અસાધારણ હિંમત અને સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેણે પોતાની પુત્રીને જન્મ આપ્યાના માત્ર બે દિવસ પછી જ લગભગ 250 કિલોમીટરની મુસાફરી કરીને ચેન્નાઈમાં તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન (TNPSC) દ્વારા યોજાયેલી સિવિલ જજની પરીક્ષા આપી હતી.
શ્રીપતિ, જે મલયાળી આદિવાસી સમુદાયની છે અને તિરુવણ્ણામલાઈ જિલ્લાના જવ્વાદુ મલાઈ તેમજ યેલાગિરી વિસ્તારના પુલિયુર ગામની રહેવાસી છે, તેણે 2023માં આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઇતિહાસ રચ્યો છે. તેણે રાજ્યની પ્રથમ આદિવાસી મહિલા સિવિલ જજ તરીકે નિમણૂક મેળવી છે. પ્રસવ પછીની શારીરિક કમજોરી, ટાંકાના દુઃખાવા અને નવજાત શિશુની જવાબદારી વચ્ચે પણ તેણે પોતાના પતિ વેંકટેશન અને માતાની મદદથી આ મુશ્કેલ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના દર્શાવે છે કે જો મનમાં મજબૂત ઇરાદો હોય તો કોઈ પણ પરિસ્થિતિ સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.
આદિવાસી સમાજમાંથી આવતી દીકરીઓમાં અપાર પ્રતિભા છે, પરંતુ ઘણી વખત તકો અને શિક્ષણના અભાવે તેમની ક્ષમતા દબાઈ જાય છે. શ્રીપતિની આ સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય તક મળે તો આદિવાસી યુવતીઓ પણ દેશના ઉચ્ચ પદો સુધી પહોંચી શકે છે અને ઇતિહાસ રચી શકે છે. જેમણે સાબિત કર્યું કે સાચી સફળતા સંઘર્ષ અને નિર્ણયની આગમાંથી જ જન્મે છે.











