વલસાડ: ઉનાળાની બળબળતી ગરમીમાં રાહદારીઓને થોડી રાહત આપવા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામ નજીક આવેલી ચોકડી નેશનલ હાઇવે પર શિવ શક્તિ યુવક મંડળ દ્વારા માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતી વિનામૂલ્યે ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે.
ગુંદલાવ ગામના સામાજિક આગેવાન તેમજ શિવ શક્તિ યુવક મંડળના સક્રિય સભ્યો સંજયભાઈ નાયકા, મેહુલભાઈ, કૃણાલભાઈ, રાહુલ રાઠોડ, રણજિતભાઈ સહિત અન્ય મિત્રોએ ભેગા થઈને આ પરોપકારી કાર્ય હાથ ધર્યું છે. ગુંદલાવ ઓદ્યોગિક વિસ્તારમાં આવેલો હોવાથી અહીં મજૂર વર્ગ સહિત અનેક લોકો નેશનલ હાઇવે પર આવતા-જતા રહે છે. ખાસ કરીને ઉનાળાના તાપમાં પ્રવાસીઓ અને મજૂરોને ઠંડું પાણી પીવડાવીને તેમની તરસ છાંટવાનું આ કાર્ય અત્યંત સરાહનીય ગણાય છે.
આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ તેમજ ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ અને વલસાડના પારડી સાંઢપોરના યુવા આગેવાન મયુર પટેલે આ ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિ માટે શિવ શક્તિ યુવક મંડળના યુવાનોને હાર્દિક બિરદાવ્યા છે. તેમણે જણાવ્યું કે આવી માનવતા મહેકાવતી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક ઉદાહરણ બની રહે છે અને અન્ય યુવા મંડળોને પણ પ્રેરણા આપે છે. આ કાર્ય દ્વારા શિવ શક્તિ યુવક મંડળે ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓની સહાય કરીને સાચા અર્થમાં “સેવા પરમો ધર્મઃ” નું પ્રતીક બનીને ઉજાગર કર્યું છે.











