કપરાડા: વર્તમાન સમયમાં ગરમીનો પારો પ્રચંડ વધી રહ્યો છે ત્યારે આજરોજ કપરાડાના રોહિયાળ તલાટમાં વીજ લાઇનમાંથી તણખલાં પડતા ભીષણ આગ: ખેડૂતોના આંબા અને શાકભાજીના માંડવા બળીને ખાખ થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા હેઠળના રોહિયાળ તલાટ ગામે વીજળીના પોલ પર શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. Decision News ને મળતી માહિતી મુજબ, ગામમાંથી પસાર થતી વીજ લાઇનના પોલ પરથી અચાનક તણખલાં (સ્પાર્કિંગ) નીચે પડતા સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. પવનના વેગને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં ડુંગર ના ભાગ માં પહોંચી ગઈ હતી. આ આગમાં ગામના ખેડૂતોએ મહેનતથી ઉછેરેલી આંબાની કલમો તેમજ શાકભાજીના માંડવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

આગ વધુ ભીષણ બને અને રહેણાંક વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં જ ગામના વડીલો અને જાગૃત યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની રાહ જોયા વગર, ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને ઉપલબ્ધ સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ મોટી હોનારત ટળી હતી. જોકે, તૈયાર પાક અને કિંમતી કલમો, સાગ , અને પશુ માટે ઘાસ નાશ પામતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here