ચીખલી: બામણવેલ ચીખલીથી વલસાડ તરફ જતા માર્ગ પર હાલમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને દોડતી એક હાઈવા ગાડી વાહનચાલકો માટે યમદૂત સમાન બની રહી છે. RJ-37-GB-3329 નંબરની આ હાઈવા ગાડીમાં પાછળના ભાગે રક્ષણ માટેનો ‘ફાલકો’ (Tailgate) ન હોવા છતાં, તેમાં વિશાળકાય પથ્થરો ભરીને બેફામ રીતે હંકારી જવામાં આવી રહી છે.

Decision News ના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા ત્યારે સવાલો એ ઉભા થયા કે પથ્થરો પર કોઈ પણ પ્રકારનું આવરણ કે સુરક્ષા કવચ નથી, જેના કારણે ચાલુ ગાડીએ પથ્થર નીચે પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ હાઈવાની પાછળ ચાલતા ટુ-વ્હીલર અને કાર ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. નાનો એવો પથ્થર પણ જો નીચે પડે, તો પાછળ આવતા નિર્દોષ વાહનચાલકનું મોત નિશ્ચિત છે. આર.ટી.ઓ. (RTO) ના નિયમ મુજબ ખુલ્લામાં કે ફાલકા વગર ભયજનક માલસામાનની હેરફેર ગુનો બને છે.

તંત્ર સામે સવાલ ?

શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? આટલી ગંભીર બેદરકારી સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? રસ્તે ચાલતા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર વિભાગ ક્યારે જાગશે? લાઇસન્સ, હેલ્મેટ,PUC અને સિટબેલ્ટ માટે નાના વાહન ચાલકોને પકડી દંડની કાર્યવાહી કરતા આ ખાખી ધારક અધિકારીઓ યમદૂત બનીને ફરતી ટ્રક અને ચાલક પર ક્યારે કાર્યવાહી કરશે ? સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે આ જીવલેણ બેદરકારી સામે તંત્ર ‘લાલ આંખ’ કરે અને સંબંધિત વાહન માલિક સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષનો જીવ બચાવી શકાય. હોનારત થયા બાદ જાગવા કરતાં, સમયસર પગલાં લેવા તે વહીવટી તંત્રની નૈતિક ફરજ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here