અમદાવાદ: સુરતના કામરેજ તાલુકાના ગામો માટેની 21 કરોડની ગાયપગલા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત તડકેશ્વર ખાતે 21 કરોડ નહિ પણ માત્ર 90 લાખના ખર્ચે બનેલી 9 લાખ લીટરની પાણીની ટાંકી ધસી પડવાના મામલે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ સરકારી અધિકારી અંકિત ગરાસિયાને અંતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માનનીય ન્યાયાધીશ એસ.કે. કરીયેલની કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા, જેનાથી સાબિત થાય છે કે બોર્ડ અને તંત્ર દ્વારા તપાસ કર્યા વગર જ સીધી ધરપકડ કરીને ઉતાવળિયું પગલું ભરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે, અંકિતભાઈએ આ પ્રોજેક્ટનો ચાર્જ એપ્રિલ 2025માં સંભાળ્યો હતો, જ્યારે ટાંકીનું બાંધકામ તો 2023-24ના સમયગાળામાં પૂર્ણ થઈ ગયું હતું. આમ, જે બાંધકામમાં તેમનો કોઈ રોલ જ નહોતો, તે બદલ બોર્ડ-કચેરીએ તપાસ કર્યા બગર જ FIR દાખલ કરીને અધિકારીઓની ધરપકડ કરાવી દીધી હતી. હાઈકોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, અરજદાર વિરુદ્ધ કોઈ આર્થિક લાભ મેળવ્યાના પુરાવા મળ્યા નથી. માત્ર સરકારી ફરજમાં બેદરકારીના નામે ફોજદારી ગુનો દાખલ કરવો તે અયોગ્ય છે, ખાસ કરીને જ્યારે કર્મચારી પોતે સસ્પેન્ડ હોય અને પુરાવા સાથે છેડછાડની કોઈ શક્યતા ન હોય.

આ ચુકાદાથી એ સ્પષ્ટ થયું છે કે અંકિત ગરાસિયાને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને તંત્રએ માત્ર રાજકારણીઓના દબાવને વશ થઇને માત્ર દેખાડો કરવા માટે અધિકારી સામે ઉતાવળી કાર્યવાહી કરવામા આવેલ છે. જે ધરપકડ દરમ્યાન અધિકારીઓની જાહેરમા થયેલ માનહાની અને સામાજીક પ્રતિષ્ઠા માટે જવાબદાર કોણ?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here