તાપી: 8 માર્ચ – International Women’s Day નિમિત્તે તાપી જિલ્લાની આદિવાસી બહેનો આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની મહિલાઓએ પૂર્ણા સખી મંડળ રચીને પ્રાકૃતિક ઘટકોમાંથી સાબુ બનાવવાની શરૂઆત કરી છે અને તેના આવકનું સશક્ત સાધન ઉભું કર્યું છે.

સખી મંડળની બહેનો કેસૂડાં, એલોવેરા, લેમન, કેસર-ચંદન અને લીમડો જેવા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને હેન્ડમેડ સાબુ તૈયાર કરે છે. સરકારી મેળાઓ તેમજ ‘સહયોગ સખી સંઘ રેંગણકચ્છ’ના સહકારથી તેમને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સારું પ્લેટફોર્મ મળ્યું છે, જેના કારણે પ્રોડક્ટને સારી માંગ મળી રહી છે. માહિતી અનુસાર, પૂર્ણા સખી મંડળે માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ કુલ રૂ. 1.10 લાખનું વેચાણ નોંધાવ્યું છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કેસૂડાના સાબુની માંગ વધી જાય છે, જેના કારણે મંડળની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે.

સખી મંડળની સભ્ય કોકિલાબેન જણાવે છે કે, “અમે પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરીને સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. ઉનાળામાં કેસૂડાના સાબુની માંગ વધતા દર મહિને અમારી આવક આશરે રૂ. 45 થી 50 હજાર સુધી પહોંચી જાય છે.” આ રીતે તાપી જિલ્લાની આદિવાસી બહેનો સ્થાનિક પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ કરીને રોજગારી સર્જી રહી છે અને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here