ગુજરાત: રંગોનો તહેવાર ધૂળેટી પર્વ ગુજરાતના કેટલાક પરિવારો માટે બેરંગ સાબિત થયો છે. ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સુરત અને મહેસાણામાં ડૂબી જવાના કારણે 20 જેટલા નાગરિકોના મોત થયાન સમાચારો વહેતાં થયા છે.
અમદાવાદમાં 7 મોત: અમદાવાદના કોતરપુરમાં સાબરમતી નદીમાં સ્નાન કરવા ગયેલા થાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ચારેય યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીજી ઘટના અમદાવાદના માંડલના સીતાપુર ગામની છે. અહીં ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો સ્નાન કરવા ગયા હતા. જેમાંથી 3 જેટલા બાળકોના મોત થયા છે. જ્યારે સદનસીબે 2 બાળકોના જીવ બચી ગયા છે.
મહીસાગરમાં 4 મોત: મહીસાગરના કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામમાં ધૂળેટી રમીને તળાવમાં સ્નાન કરવા ગયેલા 4 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.
અરવલ્લીમાં 2 પિતરાઈ ભાઈઓના કરૂણ મોત: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામમાં ધૂળેટી રમીને ગામના તળાવમાં સ્નાન કરવા ગયેલા બે પિતરાઈ ભાઇઓના મોત થતા તેમના પરિવાર પર આભ તૂટી પડયું છે. એક મૃતક બાળક ધોરણ 5માં અને બીજો મૃતક બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
સુરતમાં કુલ 7 મોત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામમાં કીમ નદીમાં ધૂળેટીના દિવસે સ્નાન કરવા ગયેલા ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બીજી તરફ સુરતના બારડોલી તાલુકાના ઇસરોલી ગામમાં પણ આવી જ એક દુ:ખદ ઘટના બની હતી. ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિંઢોળા નદીમાં 5 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ચાર યુવકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે. એક યુવકનો આબાદ બચાવ થયો છે.











