ચીખલી: ગતરોજ વેલણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) ની રોકથામ માટે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં તાજેતરમાં શરૂ થયેલા રાષ્ટ્રીય HPV રસીકરણ કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય 14 વર્ષની વયની તરુણીઓને HPV વાયરસથી થતા સર્વાઈકલ કેન્સરથી રક્ષણ આપવાનો છે.
આ કાર્યક્રમનો શુભારંભ માનનીય બાલુભાઈ પાડવી સાહેબ (બાંધકામ સમિતિ, નવસારી જિલ્લા પંચાયતના અધ્યક્ષ) દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રૂમલા ગામના સરપંચ શ્રીમતી એકતાબેન સહિત અજયભાઈ, નવનીતભાઈ, ભાવિનભાઈ, PHCના સ્ટાફ, નર્સ શ્રુતિ પટેલ અને Anm શિલ્પા પટેલએ રસીકરણ કર્યું…આશા અને phc સ્ટાફ..મેડિકલ ઓફિસર દ્વારા રસીકરણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે તરુણીઓ અને તેમના માતા-પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મેડિકલ ઓફિસર દ્વારા HPV રસી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ રસી વાયરસ દ્વારા ફેલાતા ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા માટે અત્યંત અસરકારક અને ફાયદાકારક સાબિત થઈ રહી છે. ભારતમાં સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે, અને આ રસી લેવાથી ભવિષ્યમાં આ રોગના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
આ અભિયાન ગુજરાત સરકાર દ્વારા 5.50 લાખથી વધુ 14 વર્ષની કિશોરીઓને મફતમાં HPV રસી આપવાના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે, જેનો રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. PHC વેલણપુરમાં આયોજિત આ કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં જાગૃતિ ફેલાવવા અને તરુણીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે. આયોજકોએ તમામ લાયક તરુણીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને આ રસી લેવા અનુરોધ કર્યો છે, જેથી ગુજરાતમાં સર્વાઈકલ કેન્સરને જડમૂળથી નાબૂદ કરવાના લક્ષ્યને પાર પાડી શકાય.











