તાપી: શીખવાની કોઈ ઉંમર હોતી નથી તેવું સાબિત કરતાં વ્યારાના 60 વર્ષીય પ્રોફેસર વસંત ગામીતે પીએચડીની ડિગ્રી મેળવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. Veer Narmad South Gujarat University (VNSGU) ના 58મા પદવીદાન સમારોહમાં તેમને ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વસંત ગામીત છેલ્લા 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. કોરોના મહામારી જેવી મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન પણ તેમણે સંશોધન કાર્ય અટકવા દીધું નહોતું. મક્કમ સંકલ્પ અને સતત મહેનતના બળે તેમણે પોતાના સંશોધનને પૂર્ણતા આપી. તેમનો સંશોધન વિષય “ગામીત જાતિનું લોકસાહિત્ય – સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને લોકબોલીના સંદર્ભમાં અભ્યાસ” રહ્યો હતો. આ સંશોધન દ્વારા તેમણે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને લોકબોલીના વિવિધ પાસાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જે આવનારી પેઢી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

વસંત ગામીતે જણાવ્યું હતું કે સાચો શિક્ષક હંમેશા વિદ્યાર્થી જ રહે છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત બની છે. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here