વલસાડ- ડાંગના આમ આદમી પાર્ટી પ્રભારી કમલેશ પટેલ કહે છે.. જેમનામાં જોમ જુસ્સો, સાહસ અને સમજદારી હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, બંધારણમાં વિશ્વાસ હોય બંધારણને અનુસરવાની નૈતિક હિંમત હોય એમને આજે મારે કંઈક કહેવું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. અને પ્રકૃતિ માત્ર પરિવર્તનને પાત્રએ સિધ્ધાંત દરેકને લાગુ પડે છે. નવલોહિયા યુવાનો અને સમજદાર સજ્જનો માટે, સમાજના વિકાસ માટે લાગણી બતાવવાનો અને સમાજ માટે યોગદાન આપવાનો આ એક અમુલ્ય અને સોનેરી અવસર છે. ક્યાં સુધી દબાયેલા, કચડાયેલા અને ઘુઘવાટમાં રહેશો ? ભ્રષ્ટાચાર મુક્ત શાસનના સપનાં જોઈ ભ્રષ્ટાચારના ભરડામાં હોમાઈ રહ્યા હોવા છતાં, સત્તાપક્ષ ની જોહુકમી સામે બેબસ અને લાચાર બનીને ક્યાં સુધી રહી શકશો ? નજર સામે ભ્રષ્ટાચાર થતો હોય, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની આપણી હેસિયત ના હોય, ને છતાં કદાચ અવાજ ઉઠાવીએ તો ન્યાય ની કોઈ ગેરંટી ના હોય તો કરવાનું શું ?
કોઈના ઈશારે નાચવાનું બંધ કરો, કોઈનાથી પ્રભાવિત થઈ દબાઈ જવાનું બંધ કરો અને છાતી કાઢીને આગળ આવો નીડર બનીને લીડર બનો, પ્રમાણિક બનીને આગળ વધો અને આજના કપરા સમયમાં પણ એટલી નૈતિકતા અને પ્રામાણિકતા તો આપણામાં છે જ ! બસ અંતરાત્માના અવાજને ઓળખો ! ક્યારેક આપણે અવસરની રાહ જોઈએ છીએ અને અવસર આપણી રાહ જોતો હોય છે. પરંતુ એના માટે સજાગ બનવું પડે.આપણે રાહ જોઈએ છીએ કે આપણને કોઈ ઢંઢોળીને જગાડે. પરંતુ ત્યાં સુધીમાં અવસરને નીકળી જતાં વાર નથી લાગતી. સજાગ બનો, ખેલદીલી બતાવો. તમારી લાયકાત પ્રમાણે પ્રતિનિધિત્વ કરો.
સત્તાપક્ષમાં જી હજુરી કરનારા મજબુર નેતાઓને જાકારો આપવાનો મોકો મળે ત્યારે તક ઝડપી લો. ચરમસીમાએ પહોંચેલા અન્યાય પુર્ણ માહોલમાં યુવાનો અને નીતિવાન સજ્જનોમાં શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસની સમજદારી હોવા છતાં, પ્રલોભનોના પ્રભાવમાં આવીને ગામનો ગરાસ લુંટાવી દેવાની નોબત આવે એવી સમજણ કેટલી વ્યાજબી ગણાય ? કારણ કે નવી નવી યોજનાઓ અને પ્રાયોજના અંતર્ગત આપણા પ્રાકૃતિક વસવાટમાંથી સ્થાળાંતર કરાવવાની અનેક નીતિ રીતિઓ બની રહી છે. અંતે મારે એટલું જ કહેવું છે કે આગળ આવો, અન્યાય સામેની લડતમાં સહભાગી બનો, લોકશાહીમાં મળેલા અધિકારોનું જતન કરો, પ્રતિનિધિત્વ કરો, સૈધાંતિક પ્રતિનિધિત્વ કરનારાને સહયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here