નવસારી: આજરોજ નવસારીના ચોવીસી ખાતે ગત ડિસેમ્બર મહિનામાં આગજનીની ઘટનામાં બધું તબાહ થઇ જતા પ્રકાશ હળપતીનો પરીવાર રસ્તા પર આવી ગયો હતો.નવસારી મહાનગરપાલિકાના સીટી ઈજનેર દ્વારા નવસારી મામલતદારને પીડિત પરિવાર માટે જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પુરી પાડવા ભલામણ કરેલ હતી પરંતુ મામલતદાર દ્વારા કડકડતી ઠંડીમાં પણ સંવેદનશીલતા નહીં બતાવતા 3 મહિના વીતી જવા છતાં આજદિન સુધી સહાય આપેલ નહીં. આથી આદિવાસી સમાજના આગેવાનોએ ભેગા મળીને ઘર બનાવી આપવાનો નિર્ણય કરી લોકફાળાથી ઘર બનાવી આપતાં પરિવારમા ખુશીની લાગણીઓ વ્યાપી ગઈ હતી.
આ પ્રસંગે ઘર જોવા માટે આવેલ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે અને નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ ઝેડ પટેલ સહિતના આગેવાનોએ નવસારી શહેરની આદિવાસી સમાજની ટીમની અથાગ મહેનતને બિરદાવી હતી. ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આગેવાનો સમક્ષ વેદના ઠાલવતા જણાવેલ કે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જે.યુ.વસાવા તેમની પાસે રજૂઆત કરવા જનાર ગરીબો સાથે કોને પૂછીને આવ્યો, વગર પૂછયે શું કામ આવ્યો સહિતની ભાષા બોલી ખુબ જ તોછડું અને અપમાનજનક વર્તન કરતા હોય છે અને રજુઆત પણ સાંભળતા હોતા નથી. કલેકટર કે કમિશનર પાસે જઈએ તો તેઓ પણ આવી ખરાબ રીતે વર્તન કરતા નથી હોતા એવો બળાપો કાઢીને પોતાની વેદનાઓ ઠાલવી હતી.
મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે લોકોની વેદનાઓ સાંભળ્યા પછી નવસારી મહાનગરપાલિકા માત્ર વેરા ઉઘરાવવા જ બની હોય એવું લાગે છે અને ડેપ્યુટી કમિશનર જેવા અધિકારીઓને અમારે જણાવવાનું કે તમે આદિવાસી સમાજના દાખલાના આધારે આ નોકરી મળી હોય તો આવી રીતે ગરીબ આદિવાસીઓને અપમાનિત કરવાનો તમને કોઈએ હક આપ્યો નથી.જો તેઓ પોતાનું વર્તન નહીં સુધારે અને અરજદારોને અપમાનિત કરવાનું ચાલુ રાખશે તો તેમના વિરુદ્ધ ઉપલીકક્ષાએ ફરિયાદ કરતા કે તેમની કચેરીનો ઘેરાવો કરતા અચકાઈશું નહીં. તમને લોકહિતના કામો કરવા માટે સરકારે નિયુક્ત કરેલ છે નહીં કે લોકો પર દાદાગીરી કરવા માટે. નવસારી મામલતદારનું અસંવેદનશીલ વર્તન પણ દુઃખદ અને અમાનવીય છે.નવસારીની ટીમના કમલેશ પટેલ,શૈલેષ પટેલ, અરવિંદ પટેલ, કેતન પટેલ, નિકુલ પટેલ, કમલેશ રાઠોડ, ધર્મેશભાઈ ઉમેશભાઈ, વિપુલભાઈ, વિજયભાઈ નરેશભાઈ, ધર્મેશભાઈ ડીજે, કુણાલભાઈ, મેહુલભાઈ, નિખિલભાઈ સહિતની નવસારીની ટીમે પીડિત પરિવારને ઘર બનાવી આપવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વર્ષોથી ઘર બનાવીને રહેતા લોકોના ફરજીયાત વિસ્થાપન સામે તંત્ર સામે ગરીબ સ્થાનિકોને સહકાર આપવાની અને જયારે જરૂર પડે ત્યારે પડખે ઉભા રહેવાની ખાત્રી આપતાં સ્થાનિકોએ લોકોએ આગેવાનોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.











