નવસારી: બોર્ડની પરીક્ષાનો આરંભ 26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ નવસારીથી થઇ રહ્યો છે ત્યારે આ વર્ષે પણ માર્ચને બદલે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ-10 માં 21030 તો ધોરણ-12 વિજ્ઞાનમાં 5020 અને કોમર્સમાં અને આર્ટસ ફેકલ્ટીમાં 9406 મળી કુલ 14400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
નવસારીમાં બોર્ડની પરીક્ષાને લઇને વહીવટી તંત્રએ 50 બિલ્ડિંગ ના 1286 બ્લોકમાં CCTV ની નજર હેઠળ પરીક્ષાનું આયોજન થયું છે. પહેલાં દિવસે ધોરણ-10 માં ગુજરાતી વિષય અને ધોરણ-12 માં ભૌતિકશાસ્ત્ર અને કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે. નવસારી જિલ્લામાં ધો-10 SSCના નવસારી અને ચીખલી બે ઝોન રાખવામાં આવ્યા છે. જેમાં 28 કેન્દ્ર પરથી 20404 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો-12 HSC ના સામાન્ય પ્રવાહના 16 કેન્દ્ર પરથી 9549 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 5 કેન્દ્રો પરથી 5021 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી જણાવે છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર સજ્જ છે. બધા જ બ્લોકમાં CCTVની સુવિધા છે. કોઇપણ તકલીફને પહોંચી વળવા સજ્જ છે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી માટે 18002335500 હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. ધો-10 ના 66 સ્થળોએ 701 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. તો ધો-12 માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ મળી કુલ 55 પરીક્ષા સ્થળોએ કુલ 585 બ્લોકમાં પરીક્ષા લેવાશે અને તમામ બ્લોકમાં CCTV ની નજર રહેશે.











