વાંસદા: ભારતીય પેરા મિલિટરી ફોર્સ CRPFમાં 22 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ હેડ કોન્સ્ટેબલ શ્રી કમલેશભાઈ દીલીપભાઈ પટેલે તાજેતરમાં નિવૃત્તિ પ્રાપ્ત કરી છે. તેમની આ સેવાને સન્માન આપવા માટે વાંસદાના હનુમાનબારી ખાતે એક ભવ્ય “સેવા નિવૃત્ત સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ (MLA)ના આગેવાની હેઠળ આ સમારોહ યોજાયો હતો. હનુમાન સર્કલથી એક ભવ્ય રેલી કાઢવામાં આવી, જેમાં સ્થાનિક આગેવાનો, નિવૃત્ત સૈનિકો, CRPFના પૂર્વ સાથીઓ અને વિવિધ સમાજના લોકો ઉમટ્યા હતા. રેલી પછી સરા ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી કમલેશભાઈ પટેલને ફૂલમાળા, શાલ ઓઢાડીને અને સન્માનપત્ર આપીને ગરિમાપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનંત પટેલે કહ્યું કે, “દેશની સુરક્ષા અને શાંતિ માટે 22 વર્ષ સુધી ફરજ બજાવનારા શ્રી કમલેશભાઈ જેવા જવાનો આપણા દેશના અસલી હીરો છે. તેમની સેવાને સલામ કરીને આપણે તેમને સન્માન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા જવાનોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.”
સમારોહમાં હાજર રહેલા નિવૃત્ત સૈનિકોએ પણ પોતાના અનુભવો વહેંચ્યા અને શ્રી પટેલની નિષ્ઠાપૂર્વકની સેવાની પ્રશંસા કરી. આ કાર્યક્રમ વાંસદા તાલુકામાં નિવૃત્ત જવાનો પ્રત્યેના સન્માન અને કૃતજ્ઞતાનું પ્રતીક બન્યો છે. આ ઘટના દેશભક્તિ અને સેવાભાવનાને પ્રોત્સાહન આપતી રહેશે.











